‘મેરાયું’ : શેરડીના સાંઠા પર દીવો પ્રગટાવીને આર્શીવાદ મેળવવાની અનોખી પરંપરા

અમદાવાદ: આપણા ત્યાં ગુજરાતમાં કેટલાંક સ્થળોએ દિવાળીના તહેવાર પર ‘મેરાયું’ પ્રગટાવવાની એક ખૂબ જ પ્રાચીન અને સુંદર પરંપરા જોવા મળે છે. દિવાળીની રાત્રે યુવાનો કે બાળકો શેરડીના સાંઠાની મદદથી મસાલ જેવી ‘મેરાયું’ તૈયાર કરે છે. તેને પ્રગટાવીને ગામડામાં દરેકના ઘરે તેમાં તેલ પુરાવવા માટે જાય છે. કેટલાંક ગામોમાં આજે પણ આ રિવાજ ખૂબ ઉત્સાહથી જળવાઈ રહ્યો છે.

આ પરંપરા મુજબ, લોકો હાથમાં મેરાયું લઈને ગામના દરેક ઘરે જાય છે અને ત્યાં ખાસ ગીતો ગાય છે. આ રિવાજમાં જ્યાં સુધી પાડોશી કે સગાંઓ દ્વારા મેરાયામાં તેલ પૂરવામાં ન આવે ત્યાં સુધી તે ગીતો ગાવાનું ચાલુ રાખવામાં આવે છે. તેલ પૂરતી વખતે તેઓ આશીર્વાદ આપે છે અને સાથે શિષ્ટાચાર રૂપે આશીર્વાદમાં પૈસા પણ આપે છે. આ અનોખી સંસ્કૃતિ આપણા પારંપરિક મૂલ્યોની જીવંત ઝાંખી કરાવે છે.

‘મેરાયું‘ એટલે શું?

‘મેરાયું’ એ દિવાળીના પર્વ દરમિયાન ઉત્તર ગુજરાત, ભાલ પંથક અને સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઉજવાતી એક અનોખી લોક પરંપરા છે. આ પરંપરામાં શેરડીના સાંઠાની આસપાસ કાપડ બાંધીને તેમાં તેલ પૂરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે. આ સળગતી મશાલ જેવા દેખાતા પ્રતીકને ‘મેરાયું’ કહેવામાં આવે છે.

પૌરાણિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

આ પરંપરાના મૂળ આપણી ગોપસંસ્કૃતિ અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલા છે:

  • ગોવર્ધન પર્વત અને ગોવાળિયાઓ: પૌરાણિક કથા મુજબ, જ્યારે ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો અને ઇન્દ્રના ક્રોધથી સમગ્ર વ્રજને બચાવ્યું હતું, ત્યારે ગોવાળિયાઓ અને વ્રજવાસીઓએ અંધારામાં ગાયોને શોધવા અને માર્ગ મેળવવા માટે જ્યોત કે મશાલો પ્રગટાવી હતી.
  • સમય જતાં આ લોકવાયકા અને ગોવાળિયાઓની સંસ્કૃતિ ગ્રામીણ પ્રથાઓમાં વણાઈ ગઈ, જે આજે ‘મેરાયું’ તરીકે ઓળખાય છે.

ઉજવણીની રીત અને વિધિ

  • નવોઢા અને પરિવાર દ્વારા તેલ પૂરવાની વિધિ: દિવાળીના દિવસે અથવા નવા વર્ષના આરંભે, જે ઘરોમાં નવા લગ્ન થયા હોય ત્યાં નવોઢા (વહુ) કે પરિવારના સભ્યો હાથમાં મેરાયું લઈને પાડોશીઓ અને સગા-સંબંધીઓના ઘરે જાય છે.
  • ગીતો અને આશીર્વાદ: પડોશીઓના ઘરે જઈને પરંપરાગત ગીતો ગાવામાં આવે છે. જ્યાં સુધી ઘરના સભ્યો દ્વારા તે મેરાયામાં તેલ પૂરવામાં ન આવે ત્યાં સુધી તે ગીતો ગાવાનું ચાલુ રહે છે.
  • શુકન અને આશીર્વાદ: તેલ પૂરતી વખતે વડીલો કે પરિવારના સભ્યો નવદંપતી કે બાળકને આશીર્વાદ આપે છે અને શુકન રૂપે રૂપિયા કે ભેટ આપે છે.

પશુધન સાથે જોડાયેલી માન્યતા

આ પરંપરા માત્ર માનવીય સબંધો કે સ્નેહ સુધી મર્યાદિત નથી, પરંતુ તે કૃષિ અને પશુપાલન સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે: મેરાયું પ્રગટાવ્યા બાદ તેને ઘરના વાડા, ગમાણ કે કોઢમાં બાંધેલાં મૂગાં પશુઓ (ગાય, ભેંસ, બળદ વગેરે)ને બતાવવામાં આવે છે. એવી આસ્થા છે કે મેરાયાની આ પવિત્ર જ્યોતના દર્શન કરવાથી પશુઓમાં આખું વર્ષ રોગચાળો ફેલાતો નથી અને માલ-ઢોર સાજા-નરવા તેમજ સુરક્ષિત રહે છે.

આ રીતે, ‘મેરાયું’ એ માત્ર એક દીવો પ્રગટાવવાની વિધિ નથી, પરંતુ તે સમાજમાં ભાઈચારો જાળવવાનો, વડીલોના આશીર્વાદ મેળવવાનો અને આપણી મૂલ્યવાન ગોપસંસ્કૃતિને જીવંત રાખવાનો એક ઉત્તમસેતુ છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)