પાટનગર ગાંધીનગર સાબરમતી નદીના છેડે અને ચિલોડા નજીક આવેલા પાલજ ગામની હોળીમાં 35 ફૂટ કરતાં પણ ઉંચી જ્વાળાઓ જોવા મળે છે. વર્ષો જૂની પરંપરાઓ સાથે પાલજ ગામમાં હોલિકા દહન કરવામાં આવે છે. ગામના લોકો એકઠા થઈ હોલિકા દહનના પખવાડિયા પૂર્વેજ મોટા પ્રમાણમાં તૈયારીઓ શરૂ કરે છે. લાકડા, પતંગ, પુળા, નાળિયેરની સાથે ધાન પણ ભેગુ કરવામાં આવે છે. હોળીની સામગ્રી એકઠી કર્યા પછી વિશાળ બનાવવામાં આવે છે.
હોલિકા દહન પહેલાં ચોતરફ દોરીથી ફેરવી અબીલ ગુલાલ અને પૂજા સામગ્રી સાથે શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવે છે.
પાલજની હોલિકા દહનને નિહાળવા તેમજ દર્શન કરવા ગામ સહિત આસપાસના શહેર અને અનેક ગામના લોકોનો મેળો લાગે છે. મેળાની જેમ માઈક પર એનાઉન્સમેન્ટ થાય છે. તેમજ માન્યતા પ્રમાણે લોકો અંગારા પર પણ ચાલે છે.
અંદાજે સાત હજારની વસ્તીનું પાલજ ગામ હવે આઈઆઈટી, ગિફ્ટ સિટી અને સશસ્ત્ર દળોના હેડ કવાર્ટર્સની એકદમ નજીક આવેલું છે.
ગિફ્ટ સિટીની નજીક આવેલા પાલજની સાંસ્કૃતિક પરંપરાઓ ઉત્સવો અને તહેવારોમાં જળવાઈ રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
