ઇઝરાયેલના હવાઈ હુમલામાં ટોચના હમાસ કમાન્ડર માર્યા ગયા

ઉગ્રવાદી સંગઠન હમાસની સૈન્ય પાંખે કહ્યું છે કે મધ્ય ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેનાના હવાઈ હુમલામાં તેનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. હમાસે કહ્યું કે અયમાન નોફાલ ઉર્ફે અબુ મોહમ્મદ અત્યાર સુધીના બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા સૌથી હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ હતા.

 

બંધકોના વીડિયોની ફ્રાન્સે કરી નિંદા, કહ્યું- અમારા 11 નાગરિકો ગુમ 

એક અહેવાલ મુજબ, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસના હુમલા દરમિયાન માર્યા ગયેલા ફ્રેન્ચ નાગરિકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હજી પણ 11 ફ્રેન્ચ નાગરિકો ગુમ છે, જેમાંથી કેટલાકને કદાચ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે.” ઉલ્લેખનીય છે કે હમાસે હાલમાં જ 21 વર્ષીય ઈઝરાયેલ-ફ્રેન્ચ નાગરિક મિયા શેમનો વીડિયો જાહેર કર્યો છે. ફ્રાન્સે આ વીડિયોને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી છે.

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ હમાસને ચેતવણી આપી હતી

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે ઉગ્રવાદી સંગઠન હમાસને ચેતવણી આપી છે. તેણે કહ્યું, ‘હમાસના સભ્યો પાસે બે વિકલ્પ છે, બિનશરતી શરણાગતિ આપો અથવા મરી જાઓ.’

ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ફરીવાર સંઘર્ષ શરૂ થયો

એપીના અહેવાલ મુજબ લેબનોન અને ઈઝરાયેલની સરહદ પર મંગળવારે ફરી અથડામણ શરૂ થઈ ગઈ છે. ગાઝામાં ઈઝરાયેલના તાજેતરના હુમલા બાદ લેબનોનમાં ઈઝરાયેલની સેના અને સશસ્ત્ર જૂથો વચ્ચે અથડામણ વધુ તેજ બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે લેબનોનથી છોડવામાં આવેલ એન્ટી ટેન્ક મિસાઈલ ઉત્તરી ઈઝરાયેલના મેટુલા શહેરમાં પડી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.