તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે રવિવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા અંગે બંગાળ સરકારના વલણના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. રવિવારે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીને પત્ર લખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ પત્રમાં જવાહર સરકારે પોતાની જ પાર્ટીના ‘ચોક્કસ લોકો’ પર દબંગ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોતાના જ પક્ષના નેતાઓને ભીંસમાં લાવ્યા છે.
જવાહર સરકારે પત્રમાં લખ્યું છે કે, ભ્રષ્ટ અધિકારીઓ (અથવા ડોકટરો)ને ચાવીરૂપ અને ઉચ્ચ હોદ્દા મળવા જેવી કેટલીક બાબતો હું સહન કરી શકતો નથી.” કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યા બાદ બંગાળમાં વિરોધ અને હોબાળો બાદ તેમણે રાજીનામું આપ્યું છે. જવાહર સરકારે કહ્યું છે કે જનતાનો ગુસ્સો TMC સરકાર પ્રત્યે વધી રહેલા અસંતોષને દર્શાવે છે. તેમણે કહ્યું છે કે મમતા બેનર્જીની સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે, આટલા વર્ષોમાં મેં સરકાર સામે આટલો ગુસ્સો અને અવિશ્વાસ ક્યારેય જોયો નથી.