ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયુ

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધોધમાર રહ્યો છે. જેમાં ચોતરફ જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. તેમજ જુનાગઢ, રાજકોટ, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર ચોતરફ વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયુ છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે. તથા સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ ખંભાળિયા શહેરમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જોર

વરસાદનો ત્રીજો રાઉન્ડ ધોધમાર શરૂ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જોર જોવા મળી રહ્યું છે. જેમાં જુનાગઢ, અમરેલી, ધોરાજી અને ખાંભળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલીના બાબરા શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. એસ ટી બસ સ્ટેન્ડ વિસ્તાર, રાજકોટ રોડ અને અમરેલી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડતાં ધરતી પુત્રોમાં ચિંતા વધી છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો

ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ 1800 ક્યૂસેક પાણીની સતત આવક ચાલુ છે, જેને લઇને નીચાણવાળાં 17 ગામને એલર્ટ અપાયું છે. જામનગરમાં વહેલી સવારથી મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલી રહી છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વળ્યાં છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને જિલ્લાના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે

જુનાગઢમાં 2 કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નવા નાગરવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે જુનાગઢના મુખ્ય રસ્તાઓ પાણી ફરી વળ્યા છે. તેમજ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જેમાં જસદણ, આટકોટ, વિરનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.