સમગ્ર દેશમાં ઇન્ડિયાનું નામ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે માંગ કરી છે કે બંધારણમાં ઇન્ડિયાના બદલે ભારત શબ્દનો ઉપયોગ થવો જોઈએ. બીજી બાજુ ઇન્ડિયાના બદલે સરકાર ભારત નામને લઈને સંસદના વિશેષ સત્રમાં બિલ પણ રજૂ કરી શકે છે. હવે ઇન્ડિયાનું નામ બદલયા છે કે નહીં એ તો ભવિષ્યની વાત છે પરંતુ આપણે વાત કરવી છે એવા દેશોની જેમણે પોતાના નામ બદલ્યા છે.
તુર્કી
તુર્કી હવે તુર્કીયે તરીકે ઓળખાય છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તાજેતરમાં દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત નામ બદલીને તુર્કીયે કરવાની જાહેરાત કરી છે. કારણ કે તુર્કીયે શબ્દ તુર્કી રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરે છે.
બોત્સવાના
બોત્સવા નામ દેશના સૌથી મોટા વંશીય જૂથ ત્વાનાના નામ પરથી રાખવામાં આવ્યું છે. માર્ચ 1885માં બ્રિટનને સત્તાવાર રીતે બોત્સવાના બેચુયાનાલેન્ડ નામ આપ્યું. પરંતુ 30 સપ્ટેમ્બર 1966ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દેશનું નામ બોત્સવાના રાખવામાં આવ્યું હતું.
શ્રીલંકા
શ્રીલંકા બ્રિટિશ શાસન હેઠળ 1815 થી 1948 સુધી સિલોન તરીકે જાણીતું હતું. 20મી સદીની શરૂઆત પછી જ્યારે સ્વતંત્રતા ચળવળ તેજ થઈ ત્યારે દેશનું નામ શ્રીલંકા રાખવાની માંગે પણ વેગ પકડ્યો. આ પછી વર્ષ 1972માં દેશને સત્તાવાર રીતે શ્રીલંકાનું રિપબ્લિક નામ આપવામાં આવ્યું. જેને 1978 માં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ શ્રીલંકા કરવામાં આવ્યું.
જોર્ડન
જ્યારે મધ્ય પૂર્વનો દેશ જોર્ડન બ્રિટન હેઠળ હતો ત્યારે એનું નામ ટ્રાન્સજોર્ડન હતું. એને 1946માં આઝાદી મળી અને 1949માં દેશનું નામ બદલીને જોર્ડનનું હાશેમાઈટ કિંગડમ રાખવામાં આવ્યું.
ઇથોપિયા
ઇથોપિયાના ઉત્તરીય ભાગ પર અગાઉ એબિસિનિયન સામ્રાજ્યનું શાસન હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજા હેઇલ સેલાસીએ દેશનું નામ એબિસિનિયાથી બદલીને ઇથોપિયા કરી દીધું.
મ્યાનમાર
મ્યાનમારને પહેલા બર્મા કહેવામાં આવતું હતું. સૈન્ય સરકારે 1989માં દેશનું નામ બદલીને મ્યાનમાર રાખ્યું. ફ્રાન્સ અને જાપાને આ નામ સ્વીકાર્યું. પરંતુ અમેરિકા અને બ્રિટને લાંબા સમય સુધી બર્મા નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
હોલેન્ડ (નેધરલેન્ડ)
વર્ષ 2020માં હોલેન્ડની સરકારે દેશનું નામ બદલીને નેધરલેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ દેશના બે પ્રદેશો છે દક્ષિણ હોલેન્ડ અને ઉત્તર હોલેન્ડ.
ચેક ગણરાજ્ય (ચેકિયા)
એપ્રિલ 2016થી ચેક ગણરાજ્ય ચેકિયા તરીકે જાણીતું બન્યું. એ મધ્ય યુરોપમાં એક દેશ છે જે અગાઉ બોહેમિયા તરીકે પણ ઓળખાતો હતો.
ઈરાન
માર્ચ 1935 પહેલા ઈરાનનું નામ પર્શિયા હતું. વર્ષ 1935માં અહીંની સરકારે એમની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા દેશોને એમના દેશને ઈરાન તરીકે સંબોધવા કહ્યું હતું.
સિયામ (થાઇલેન્ડ)
વર્ષ 1939માં સિયામનું નામ બદલીને થાઈલેન્ડ કરવામાં આવ્યું હતું. એ સમયે રાજાશાહી હતી. સ્થાનિક ભાષામાં એને ‘PRATHET THAI’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘મુક્ત લોકોનો દેશ’.