નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ. અમેરિકા 10 ટકા ટેરિફ યથાવત્ રાખવા માગે છે, જ્યારે ભારત ઈચ્છે છે કે ઘણા સેક્ટરમાં લાગુ 10 ટકા ટેરિફને શૂન્ય કરી દેવામાં આવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત તરફથી સોદાના મુખ્ય વાર્તાકાર રાજેશ અગ્રવાલે અમેરિકાનો પ્રવાસ લંબાવી દીધો છે.અગાઉ એવા અહેવાલ હતા કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની શરતો પર સહમતી થઈ ગઈ છે અને તેનું ઔપચારિક એલાન 8 જુલાઈએ થઈ શકે છે.ત્યાર બાદ વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સારા સંબંધોને ધ્યાનમાં રાખીને બંને દેશોના સંબંધો મજબૂત રહેશે.
લેવિટે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને જલદી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બાબતમાં અપડેટ આપશે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ ત્યાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 જુલાઈથી દુનિયાભરના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. જોકે ટેરિફ પર વિવાદ વધતાં અમેરિકા દ્વારા ઘણા દેશોને આ ટેરિફમાંથી તાત્કાલિક રાહત આપવામાં આવી હતી.
ભારત પર લાગુ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફને નવ જુલાઈ સુધી માટે સ્થગિત કરવામાં આવી હતી, પણ ભારત પર લાગુ 10 ટકા બેઝલાઇન ટેરિફ હજુ દૂર કરવામાં આવ્યો નથી.
