…તો પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દઈશું: અનુરાગ ઠાકુર

 નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પાકિસ્તાન પર સરહદે અશાંતિ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે જો પડોશી દેશ ભારત વિરુદ્ધની પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તો તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે.

ગાંધી ચોક ખાતે આયોજિત જિલ્લા સ્તરીય રેલીને સંબોધતાં ઠાકુરે કહ્યું હતું કે ભારત સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે યોગ્ય સમયે પાકિસ્તાનને મજબૂત જવાબ આપવામાં આવશે. હમીરપુરથી હાલના સાંસદ રહેલા ઠાકુરે કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારતવિરોધી હરકતો કરતું રહેશે, તો તે વિશ્વની રાજકીય વ્યવસ્થામાંથી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.

આ રેલી દરમિયાન અનુરાગ ઠાકુરે આ આરોપ પણ લગાવ્યો કે જ્યાં કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ કૂટનીતિક પગલાં લઈ રહી છે અને ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધારી રહી છે, ત્યાં હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર આ મુદ્દે ગંભીર નથી.

તેમણે કહ્યું કે એક બાજુ કોંગ્રેસ સરકાર કેન્દ્રના નિર્ણયોનો સમર્થન કરે છે, તો બીજી બાજુ તેના કેટલાક નેતાઓ “બિનજરૂરી નિવેદનો” આપી રહ્યા છે. પાર્ટી દ્વારા કુલુ, ઉના, લાહૌલ-સ્પીતી અને અન્ય સ્થળોએ પણ પ્રદર્શન કરવામાં આવ્યા છે.

બીજી બાજુ, શિમલામાં ભાજપ નેતાઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું અને રાજ્યમાં કાયદેસર કે બિનકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકોની તરત ઓળખ કરી તેમને પાછા મોકલવાની માગ કરી હતી. ઉપરાંત, લોઅર બજાર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓએ પાકિસ્તાનવિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી પણ કાઢી હતી.