જંત્રીનો નવો દર 15 એપ્રિલથી થશે લાગુ, મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય

રાજ્યમાં જંત્રી અંગે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 /4 /2023 થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. જેની સાથે જ સરકારનો અગાઉ 4 ફેબ્રુઆરીથી જંત્રી લાગુ થવાના નિર્ણય પર બ્રેક લાગી છે. અગાઉ રાજ્યમાં તા. 4 ફેબ્રુઆરી ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે. એટલે કે હવે 15 એપ્રિલ પછીથી ડબલ જંત્રીનો દર સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. જેના કારણે સામાન્ય જનતા અને રિઅલ એસ્ટેટને રાહત મળશે.


જંત્રીના મુદ્દા પર રાજ્ય સરકાર પર સતત દબાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં બિલ્ડર સંગઠન દ્વારા જિલ્લા સ્તરે શુક્રવારે રજુઆતો કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ક્રેડાઇ સહિતના સંગઠનોએ ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રીથી લઈ સ્ટેમ્પ ડ્યુટી અધિકારીઓને પણ જંત્રીના વધારા કારણે થનાર તકલીફો અંગે માહિતગાર કર્યા છે.
સરકાર સાથે બિલ્ડર્સ અને સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ થઈ હતી જેના બાદથી સરકાર પર દબાણ વધી રહ્યું હતું. ગુજરાત ક્રેડાઈ તરફથી માંગણી કરવામાં આવી હતી કે, ક્યાં તો થોડો સમય આપવામાં આવે અથવા તો થોડો ઘટાડો કરવામાં આવે. જેના પર સરકારે હાલ પૂરતી બ્રેક લગાવીને રાહત આપી છે. ક્રેડાઈ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને કહ્યું કે, આ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો છે તેને અમે આવકારીએ છીએ.


શા માટે 15 એપ્રિલ જ પસંદ કરવામાં આવી ?

જો કે સૌથી પહેલો પ્રશ્ન થઈ રહ્યો છે કે કેમ 15 એપ્રિલ જ પસંદગી કરવામાં આવી, તો તેના અંગેનું સરકારી ગણિત સમજવાની કોશિશ કરીએ. સરકાર તરફથી મહદ અંશે પહેલી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2023-24થી તેના અમલની શક્યતા ચકાસવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા છૂટના 15 દિવસ વધારાના આપવામાં આવ્યા છે. તે દરમિયાન જંત્રીના દરોને લઈને બિનખેતી પ્રીમિયમ ચાર્જેબલ એફએસઆઇમાં નવી જંત્રીના દરોના વધતા ભારણ માટે પણ વિચારણાનો અવકાશ રહેશે.

15મી એપ્રિલ 2023 સુધી હિસાબી વર્ષ પૂરું થવા સુધી અમલવારી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે જંત્રીના દરને લઈને પ્રતિનિધિઓ દ્વારા સ્થળ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચથી 50% સુધીનો વધારો અને ત્યાર બાદ પ્રત્યેક વર્ષ નવા વર્ષ જંત્રીમાં બે ટકાનો વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. નારેડકોએ જંત્રીના તત્કાળા અમલને લઈને 60થી 90 દિવસનો સમય આપી સુધારા વધારા આપવાની માંગણી કરવામાં આવી છે. રજૂઆતોને ધ્યાનમાં લઈને નવી જંત્રીના અમલમાં આંશિકપણે રાહત આપવા સરકારે વિચારણા કરી.
આખરે આજે રાજ્ય સરકાર દ્વારા 15મી એપ્રિલ 2023થી નવી જંત્રીનો અમલ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ બમણી જંત્રીમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તે વાત સ્પષ્ટ કરી દીધી છે. તેમજ તેના પર લાગતી તમામ કાર્યવાહી માટે પણ પૂર્વ તૈયારીઓ માટે બિલ્ડર તેમજ રિઅલ એસ્ટેટના સભ્યોને અને સરકારી કાર્યવાહીમાં પણ સંપૂર્ણ રીતે કામ પૂર્ણ થઈ શકશે.