સરકારે ભંગાર વેચીને રૂપિયા 800 કરોડની કરી કમાણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “વિશેષ સ્વચ્છતા અભિયાન 5.0” એ ફરી એક વખત સફળતાનો નવો માપદંડ સ્થાપ્યો છે. સ્વચ્છતા અને કાર્યક્ષમતાને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવેલા આ અભિયાન હેઠળ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ ભંગાર અને ઈ-વેસ્ટ વેચાણ દ્વારા આશરે 800 કરોડ રૂપિયાની આવક કરી છે. એટલું જ નહીં, આ સમયગાળામાં 232 લાખ વર્ગફૂટ ઓફિસ જગ્યાને પણ મુક્ત કરવામાં આવી છે, જેનાથી સરકારી ઓફિસોમાં કાર્યક્ષમતા વધશે એવી અપેક્ષા છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર આ અભિયાન બીજી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલ્યું હતું, જેમાં અંદાજે 29 લાખ જૂની ફિઝિકલ ફાઇલોને દૂર કરવામાં આવી હતી અને બિનઉપયોગી વસ્તુઓની હરાજી કરવામાં આવી, જેને કારણે મહત્વની આવક પ્રાપ્ત થઈ હતી.

2021થી અત્યાર સુધી 4100 કરોડ રૂપિયાની કમાણી

કેન્દ્ર સરકારે સ્વચ્છતા અભિયાનની શરૂઆત 2021માં કરી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી ભંગાર અને બિનઉપયોગી સંપત્તિના વેચાણ દ્વારા 4100 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 11.58 લાખ ઓફિસ સ્થળોને આવરી લેવામાં આવ્યાં છે. તેનું સંચાલન વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા કરવામાં આવે છે.

84 મંત્રાલયો અને વિભાગોની ભાગીદારી

આ વખતના સ્વચ્છતા અભિયાનમાં 84 મંત્રાલયો અને વિભાગો- જેમાં વિદેશ સ્થિત ભારતનાં મિશનો પણ સામેલ છે, તેમણે પણ ભાગ લીધો હતો. આ વિશાળ આંતર-મંત્રાલય અભિયાનની દેખરેખ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કે. રામ મોહન નાયડુ અને ડો. જેટલીન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવી હતી.

ઈ-વેસ્ટના વેચાણથી 3296 કરોડની આવક

સરકારે છેલ્લાં ચાર વર્ષમાં ઈ-વેસ્ટ અને ભંગારના વેચાણથી 3296.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ જ સમયગાળા દરમ્યાન 696.27 લાખ વર્ગફૂટ ઓફિસ જગ્યા સાફ કરી ઉપયોગમાં લેવામાં આવી છે. એ સાથે જ 137.86 લાખથી વધુ જૂની ફાઇલો નષ્ટ કરવામાં આવી છે અને 12.04 લાખ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.