દિલ્હીમાં ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆ પાસે, પહેલાં અહીં ક્યારે નોંધાયા હતા ઝટકા?

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હીમાં હતું. એક અધિકારીએ સમાચાર એજન્સી  જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. સવારે ૫:૩૬ વાગ્યે આવેલો આ ભૂકંપ પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તે વિસ્તારની નજીક એક તળાવ પણ છે. જ્યાં દર બેથી ત્રણ વર્ષે ભૂકંપ આવે જ છે. બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2015માં પણ આ વિસ્તારમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ઘણી ઊંચી ઇમારતોના લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, દિલ્હી પોલીસે કહ્યું, “અમને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો.” દિલ્હી પોલીસે નાગરિકોને કટોકટીની સ્થિતિમાં 112 હેલ્પલાઇન પર કૉલ કરવાની અપીલ કરી છે.