અધ્યક્ષ સહિત સમગ્ર નવું કુસ્તી સંઘ સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયું

નવા ચૂંટાયેલા સંધના પ્રમુખ સંજય સિંહ અને બ્રિજભૂષણ શરણ સિંહને લઈને કુસ્તીબાજો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના રમતગમત મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે WFIની નવી સંસ્થાને સસ્પેન્ડ કરી દીધી છે. જે બાદ ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ સંજય સિંહ અને તેમની આખી ટીમને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકની નિવૃત્તિ અને બજરંગ પુનિયાને પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યા બાદ રમત મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે.

તાજેતરમાં રેસલિંગ એસોસિએશને જુનિયર નેશનલ ચેમ્પિયનશિપની જાહેરાત કરી હતી, જેમાં આ ટુર્નામેન્ટ 28 ડિસેમ્બરથી યુપીના ગોંડામાં શરૂ થવાની હતી. કુસ્તી છોડી ચૂકેલી સાક્ષી મલિકે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, ‘મેં કુસ્તી છોડી દીધી છે પરંતુ હું ગઈકાલે રાતથી જ ચિંતિત છું. જે જુનિયર મહિલા કુસ્તીબાજો મને ફોન કરીને કહી રહી છે કે દીદી 28મીથી જુનિયર રાષ્ટ્રીય કુસ્તી યોજાવા જઈ રહી છે અને તે નવા કુસ્તી સંઘે નંદની નગર ગોંડામાં યોજવાનું નક્કી કર્યું છે’. સાક્ષી મલિકે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, “ગોંડા બ્રિજભૂષણનો વિસ્તાર છે. હવે કલ્પના કરો કે જુનિયર મહિલા કુસ્તીબાજો ત્યાં કેવા માહોલમાં કુસ્તી લડવા ત્યાં જશે. શું આ દેશમાં નંદની નગર સિવાય બીજે ક્યાંય નેશનલ રમવાની જગ્યા નથી? સમજાઈ નથી રહ્યું કે હું શું કરુ’.

મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના તમામ આગામી કાર્યક્રમો પણ રદ્દ કર્યા

આ સાથે રમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના તમામ આગામી કાર્યક્રમો પણ રદ્દ કરી દીધા છે. રમત મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે નવા એસોસિએશને નિયમોની વિરુદ્ધ આગામી ટુર્નામેન્ટ અને કાર્યક્રમોની જાહેરાત કરી હતી. જેમાં ગોંડાના નંદિની નગરમાં અંડર-15 અને અંડર-20 નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. સાક્ષી મલિક સહિત ઘણી મહિલા રેસલર્સે આના પર સવાલ ઉઠાવ્યા હતા. રમત મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે રેસલિંગ એસોસિએશન હવેથી કોઈ નિર્ણય લઈ શકશે નહીં.

અગાઉ, રમત મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે WFI ચૂંટણીઓ નિષ્પક્ષ અને લોકતાંત્રિક રીતે હાથ ધરવામાં આવી હતી. આ સાથે, બજરંગે પદ્મશ્રી એવોર્ડ પરત કરવા પર મંત્રાલયે કહ્યું હતું કે આ તેમનો અંગત નિર્ણય છે અને અમે હજુ પણ બજરંગને પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બદલવાની માંગ કરીશું.