બિપરજોય વાવાઝોડાના ખતરામાં પ્રથમ વખત ભીષ્મ ક્યૂબ ફેસિલિટીનો પ્રયોગ કરાશે. જેમાં જરૂર પડયે દેશમાં પ્રથમ વખત કચ્છમાં પ્રયોગ કરાશે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તૈયારી, રાહત-બચાવની સમીક્ષા કરી છે. તથા આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત્ થાય તે જોવા તાકીદ કરી હતી.
તમામ ચીજવસ્તુની કિટ એક કમાન્ડથી મેળવી શકાય
ભીષ્મ ક્યૂબ ફેસિલિટીમાં આરોગ્ય સુધીની તમામ ચીજવસ્તુની કિટ એક કમાન્ડથી મેળવી શકાય છે. કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે 7 સંવેદનશીલ તાલુકામાં કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી તૈયારીની સમીક્ષા કરવા ભુજ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વાવઝોડા બાદ જાન-માલના નુકસાનની સ્થિતિને પહોંચી વળવા જરૂર પડશે તો દિલ્લીથી ખાસ ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ ભીષ્મ ક્યુબ ફેસિલિટીને કચ્છમાં ઉતારવાની તૈયારી બતાવી હતી.
આ ક્યુબ ફેસિલિટીમાં 34 કયુબ હોય છે
આ ક્યુબ ફેસિલિટીમાં 34 કયુબ હોય છે, જેમાં આપત્તિની સ્થિતિમાં જરૂરી જીવન જરૂરિયાતની ચીજોથી લઇને આરોગ્ય સુધીની તમામ ચીજવસ્તુની કિટ એક કમાન્ડથી મેળવી શકાય છે. આ કયુબ કાર્ગોને જરૂર પડે તો તત્કાલ ગમે તે સ્થળે હેલિકોપ્ટરની મદદથી કે વાહન દ્વારા ખસેડી શકાય છે. જરૂર પડયે આ સેવાનો પ્રયોગ દેશમાં પ્રથમવાર કચ્છમાં કરાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
સેન્ટ્રલ મેડિકલ ક્વિક રિસ્પોન્સ ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને કલેક્ટર પાસેથી અત્યાર સુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણી હતી. વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા અને પ્લાનમાં ખાસ કરીને ભોજન, પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત્ થાય તે જોવા તાકીદ કરી હતી. સેન્ટ્રલ મેડિકલ ક્વિક રિસ્પોન્સ ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ છે.