TRFને આંતકવાદી સંગઠને જાહેર કરવા બદલ આભારઃ જયશંકર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કૂટનીતિક પકડ એક વાર ફરીથી મજબૂત બની છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા દ્વારા “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ” (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને વિશિષ્ટ રીતે નામિત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકાર્યો હતો. આ પગલું માત્ર ભારત-અમેરિકા વચ્ચે વધતા આતંકવાદવિરોધી સહકારને દર્શાવતું નથી, પરંતુ ભારતની સુરક્ષા ચિંતાઓને વૈશ્વિક સ્તરે ગંભીરતાથી લેવાય છે તેની પણ એક મિસાલ છે.

જયશંકરે X પર લખ્યું હતું કે ભારત-અમેરિકા આતંકવાદવિરોધી ભાગીદારીની એક મજબૂત પુષ્ટિ. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા TRFને આતંકવાદી જાહેર કરવા બદલ અમેરિકી સેનેટર માર્કો રુબિયો અને વિદેશ વિભાગની પ્રશંસા કરું છું. આ સંગઠને 22 એપ્રિલે થયેલા ઘાતક પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી.

TRFએ પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી
TRFને વ્યાપક રીતે પાકિસ્તાનમાં સ્થિત લશ્કર-એ-તૈયબાની  સહયોગી સંગઠન માનવામાં આવે છે. એ જ લશ્કર છે જેને 2008ના મુંબઈ હુમલાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે. TRFએ તાજેતરમાં 22 એપ્રિલ, 2025એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં, જેમાં ઘણા પ્રવાસીઓ પણ સમાવિષ્ટ હતા. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર આ હુમલો 2008 બાદ ભારતના સૌથી ભયાનક નાગરિક હત્યાકાંડોમાંનો એક છે.

અમેરિકી સેનેટર માર્કો રુબિયોએ પણ આ કાર્યવાહી ભારત-અમેરિકા સહકાર માટે નિર્ણાયક વળાંક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ અમેરિકા દ્વારા આતંકવાદ સામેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે TRFને લશ્કરનું “મુખોટું અને પ્રતિનિધિત્વ કરતી સંસ્થા” ગણાવી.

આ ઘટનાક્રમ અંગે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ નિર્ણય ભારત-અમેરિકા વચ્ચે ઘેરા વ્યૂહાત્મક સંબંધો અને સંયુક્ત સુરક્ષા હિતોની પુષ્ટિ કરે છે.