જો આપણે થાઈલેન્ડમાં કોર્ટના આદેશનું પાલન જોવું હોય, તો તેના કરતાં વધુ સારું ઉદાહરણ હોઈ શકે નહીં કે એક ઝટકામાં વડા પ્રધાન શ્રેથા થવિસિનને તેમની ખુરશી ગુમાવવી પડી. નૈતિક મૂલ્યોનું પાલન ન કરવા બદલ કોર્ટે આજે વડા પ્રધાન શ્રેથા થવિસિનને પદ પરથી હટાવ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આના એક સપ્તાહ પહેલા જ કોર્ટે મુખ્ય વિપક્ષી પાર્ટીને વિસર્જન કરી દીધુ હતું. કોર્ટના આ ઝડપી આદેશોએ થાઈલેન્ડના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
બંધારણીય અદાલતે શ્રેથાને કેબિનેટ સભ્યની નિમણૂક માટે દોષિત ઠેરવ્યા હતા, જેઓ કોર્ટના અધિકારીને લાંચ આપવા બદલ જેલમાં હતા. કોર્ટે 5:4ની બહુમતીથી શ્રેથા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જ્યાં સુધી સંસદ નવા વડાપ્રધાનની નિમણૂક ન કરે ત્યાં સુધી કેબિનેટ કેરટેકર ધોરણે રહેશે. આ પદ પર નિમણૂક માટે સંસદને કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. શ્રેથાએ એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલ કરીને પીચિત ચુએનબનને વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
શું હતો મામલો?
પિચિતને 2008 માં કોર્ટની અવમાનના માટે છ મહિનાની જેલ કરવામાં આવી હતી જ્યારે તેણે ભૂતપૂર્વ વડા પ્રધાન થાક્સિન શિનાવાત્રાને સંડોવતા કેસમાં 2 મિલિયન બાહ્ટ (US$55,000) સાથે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ ઘટનાને લઈને ફરી વિવાદ ઉભો થયો, ત્યારે પિચિટે તેમની નિમણૂકના થોડા અઠવાડિયા પછી પદ પરથી રાજીનામું આપી દીધું. કોર્ટે કહ્યું કે જો કે પિચિત પહેલાથી જ જેલની સજા ભોગવી ચૂક્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેનું વર્તન અપ્રમાણિક હતું.
કોર્ટે ચુકાદો આપ્યો કે વડા પ્રધાન તરીકે શ્રેષ્ઠાને તેમના કેબિનેટ સાથીદારોની લાયકાતની ચકાસણી કરવાની જવાબદારી હતી. કોર્ટે કહ્યું કે શ્રેથા પિચિતના ભૂતકાળથી વાકેફ હતા પરંતુ તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કર્યા અને આમ નૈતિક સંહિતાનું ઉલ્લંઘન કર્યું.