મણિપુરમાં ફરી તણાવ… મંત્રી અને ધારાસભ્યના ઘરો પર હુમલો

મણિપુર સરકારે શનિવારે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં રાજ્યના છ પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળના આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA), 1958ને દૂર કરવાની વિનંતી કરી હતી. શુક્રવારે મળેલી રાજ્ય કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે કેન્દ્ર સરકારને સેમકાઈ, લામસાંગ, લમલાઈ, જીરીબામ, લિમાખોંગ અને મોરાંગ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાંથી AFSPA ફરીથી લાગુ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને તેને રદ કરવા વિનંતી કરી.

જીરીબામમાં તાજેતરની હિંસાના થોડા દિવસો પછી, 14 નવેમ્બરના રોજ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વિસ્તારોમાં ફરીથી AFSPA લાગુ કરવાની જાહેરાત કરી હતી. મણિપુરમાં 3 મે, 2023થી જાતિય હિંસા શરૂ થઈ હતી, જે અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. 12 નવેમ્બરના રોજ, સશસ્ત્ર આતંકવાદીઓએ જીરીબામ જિલ્લાના બોરોબેકરા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ પોલીસ સ્ટેશનમાં સીઆરપીએફ કેમ્પ છે અને નજીકમાં એક રાહત કેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. જવાબી કાર્યવાહીમાં CRPFએ 11 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સીઆરપીએફના એક જવાનને પણ ગોળી વાગી હતી.

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટર બાદ બોરોબ્રેકા રાહત કેમ્પમાંથી 6 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. બે દિવસ પછી, મણિપુર-આસામ સરહદ પર જીરી નદી અને બરાક નદીના સંગમ નજીકથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. આ અપહરણ અને હત્યાના વિરોધમાં, પ્રદર્શનકારીઓ શનિવારે સાંજે રાજધાની ઇમ્ફાલમાં કીશમ્પટ જંકશન પર એકઠા થયા હતા અને બિરેન સિંહ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ બીજેપી હેડક્વાર્ટર સામે વિરોધ પણ કર્યો હતો. પ્રદર્શનકારીઓ સીએમ આવાસ તરફ કૂચ કરીને બિરેન સિંહને મળવા માંગતા હતા. તેમની માંગ છે કે રાહત શિબિરમાંથી 6 લોકોનું અપહરણ કરનાર ગુનેગારોને 24 કલાકની અંદર પકડવામાં આવે.

મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર હુમલા

ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસ છોડવો પડ્યો. રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વિરોધ પ્રદર્શનો થયા હતા. શનિવારે વિરોધીઓએ મણિપુરના ત્રણ પ્રધાનો અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેના પગલે સરકારે ઇમ્ફાલ ખીણમાં કર્ફ્યુ લાદવો પડ્યો હતો. તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુર સરકારે 6 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે. પોલીસ અધિકારીઓને શંકા છે કે જે મૃતદેહો મળી આવ્યા છે તે જીરીબામ જિલ્લામાંથી અપહરણ કરાયેલા છ લોકોના છે. ઈમ્ફાલ ખીણ સ્થિત નાગરિક સમાજ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે સુરક્ષા દળો દ્વારા બોરોબેકરા પોલીસ સ્ટેશન પરના હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ પીછેહઠ કરતી વખતે આતંકવાદીઓએ રાહત શિબિરમાંથી છ લોકોનું અપહરણ કર્યું હતું.

ગુસ્સે ભરાયેલા ટોળાએ છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી અને તેમની મિલકતોને આગ ચાંપી દીધી. સુરક્ષા દળોએ ઇમ્ફાલના જુદા જુદા ભાગોમાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે ઇમ્ફાલ ખીણ પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થોબલ અને કાકચિંગ જિલ્લામાં અનિશ્ચિત કરફ્યુ લાદવામાં આવ્યો છે. સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજન લેમ્ફેલ સનાકીથેલના નિવાસસ્થાન પર ટોળાએ હુમલો કર્યો હતો.