છોટા ઉદેપુરઃ દેશમાં ‘નરબલી’ અંધશ્રદ્ધા કે શિક્ષણ પરનો અભિશાપ, દેવી-દેવતાઓના નામની આડમાં બેરોકટોક ચાલે છે. જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ આપવાની ઘટના બની છે. જ્યાં અંધશ્રદ્ધાને કારણે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભૂવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી.
તાંત્રિક લાલુ હિંમત તેની સામે રહેતી બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી, આટલું જ નહીં, આ ભૂવો બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ગયો હતો. જોકે ગામલોકોએ જોઈ જતાં એ બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટનાસ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુની ધરપકડ કરી છે.
રાજ્ય વિધાનસભામાં ગયા વર્ષે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું હતું.
