ભુવનેશ્વરઃ સામાજિક પરંપરાઓની સામે જઈને એક મહિલાએ પોતાના ફોઈના પુત્ર સાથે લગ્ન કર્યાં જેના બદલામાં તેને એવી સજા આપવામાં આવી કે જે માનવતાને શરમાવે એવી છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનો દ્વારા નવવિવાહિત દંપતીને જબરદસ્તી ખેતરમાં લઈ જઈને હળમાં બળદોની જગ્યાએ જોડાઈને જમીન જોતરાવવામાં આવી. આ શરમજનક ઘટના ઓડિશાના રાયગઢ જિલ્લામાં બની છે અને તેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોને લઈ ઈન્ટરનેટ પર મતમતાંતર છે – ઘણા લોકો ગ્રામજનોની નિંદા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સામાજિક પરંપરા તોડવા બદલ આપવામાં આવેલી ‘તાલિબાની સજા’ને યોગ્ય ઠેરવી રહ્યા છે.
ગામમાંથી ભાગીને કર્યા હતાં લગ્ન
અહેવાલ અનુસાર રાયગઢ જિલ્લાના આદિવાસી સમુદાયના કાંજમજોડી ગામના રહેવાસી લાકા સારકા (ઉંમર 28) ને કોદિયા સારકા (ઉંમર 31) સાથે પ્રેમ સંબંધ હતો. લાકા સંબંધે કોદિયાના પિતાની બહેન એટલે કે તેની ફોઈનો પુત્ર છે. બંનેના એક જ ગોત્રના હોવાથી અને નિકટન સંબંધ હોવાથી સ્થાનિક આદિવાસી પરંપરાઓ અનુસાર તેમનાં લગ્ન શક્ય ન હતાં. એ કારણે બંને ઘરે છોડીને ભાગી ગયાં અને લગ્ન કરી લીધાં.
ગામ તમાશો જોતો રહ્યો
લોકો તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ પણ આ ક્રૂરતાને અટકાવવાનો પ્રયત્ન કર્યો નહીં. આ અપમાનજનક અને અમાનવીય સજા પછી બંનેને ગામના મંદિર લઈ જવામાં આવ્યાં, જ્યાં ‘શુદ્ધીકરણ અનુષ્ઠાન’ કરાવવામાં આવ્યું, જેથી સમુદાય અનુસાર આ ‘અપવિત્ર લગ્ન’થી તેમને ‘પવિત્ર’ બનાવી શકાય.
