PM મોદી પર કટાક્ષ કરવો કોંગ્રેસ માટે મોંઘો પડ્યો

પહલગામ હુમલા પર સરકાર દ્વારા કથિત રીતે કોઈ પ્રતિક્રિયા ન આપવા અંગેની પોસ્ટને લઈને કોંગ્રેસ પાર્ટીની ચારે બાજુથી ટીકા થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાંધાજનક તસવીર પોસ્ટ કરવાના આરોપો બાદ, પાર્ટીએ હવે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટીના આ પોસ્ટને લઈને મંગળવારે ઘણો હોબાળો થયો હતો. દરમિયાન, દિલ્હીના એક વકીલે પણ ફોટો સામે વાંધો ઉઠાવતા પક્ષ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા, માથા વગરના માણસની પ્રતીકાત્મક તસવીર શેર કરવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસે એક કેપ્શન પણ લખ્યું, જવાબદારીના સમયે: ગાયબ. પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, આ સંદેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યો હતો.

સોમવારે સાંજે પોસ્ટ કરાયેલો આ ફોટો પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પણ પોસ્ટ કર્યો ત્યારે વિવાદ શરૂ થયો. આ પછી ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પરથી ‘પીઠમાં છરા ભોંકવાની’ તસવીર રજૂ કરી. ભાજપે પોતાના કેપ્શનમાં “પાકિસ્તાન કા યાર” પણ લખ્યું.