SSCમાં 5393 એ-વન ગ્રેડના વિદ્યાર્થી સાથે સુરત ફરી રાજ્યમાં એવન

સુરત: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં એ-વન ગ્રેડ મેળવવાના મામલે સુરતે મેદાન માર્યું હતું. હવે ગુજરાત બોર્ડના ધોરણ-10ના પરિણામમાં પણ સુરતે ફરી એ-વન ગ્રેડમાં રાજ્યમાં ડંકો વગાડ્યો છે. સુરતના 5,393 વિધાર્થીઓ એ-વન ગ્રેડ સાથે પાસ થયા છેે. સુરતનું પરિણામ 86.20 ટકા આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તાપી 81.81 ટકા (102 વિધાર્થીઓ એ-વન ગ્રેડના), નવસારી 84.82 ટકા (644 વિધાર્થીઓ એ-વન ગ્રેડના), વલસાડ 78.15 ટકા (280 વિધાર્થીઓ એ-વન ગ્રેડના), ડાંગ 87.12 ટકા (28 વિધાર્થી એ-વન ગ્રેડના) ભરૂચ 83.58 ટકા (493 વિધાર્થીઓ એ-વન ગ્રેડના), નર્મદા 88.40 ટકા (103 વિધાર્થી એ-વન ગ્રેડના) પરણામ આવ્યું છે.સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. સાથે જ આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને ડોક્ટર-એન્જિનિયરથી લઈને દેશ માટે આઈ.એ.એસ.થી આઈ.પી.એસ. ઓફિસર અને બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જોડિયા ભાઈઓની કમાલ

કઠોદરા વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઊંચુ પરિણામ આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતાં જોડિયા ભાઈઓએ કમાલ કરી છે. એક સરખો સ્વભાવ અને મહેનત કરતાં બન્ને ભાઈઓએ રિઝલ્ટમાં પણ સરખું જ કૌવત દાખવ્યું છે. જીલ રાવળ અને તેનો ભાઈ જીત રાવળ જુડવા ભાઈ છે. બંનેની જન્મની વચ્ચે દસ મિનિટનો તફાવત છે. ધોરણ 10ની પરીક્ષામાં બેઠક પણ આગળ પાછળ હતી. આજે આ બંનેનું ધોરણ 10નું પરિણામ પણ A1 ગ્રેડ આવ્યું છે. જેમાં બંનેના રિઝલ્ટ સરખા આવ્યા છે. બંનેને 92 ટકા આવ્યા છે અને 97 પર્સેન્ટાઇલ આવ્યા છે. પિતા ઇંટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવારમાં ત્રણ ભાઈ છે. માતા પિતા અને સ્કૂલના સપોર્ટથી ટ્યુશન વિના જ બંને ભાઈઓએ આ સફળતા મેળવી છે. બંને જુડવા ભાઈઓના સપના પણ એક સરખા હોય તેમ સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

એન્જિનિયર પિતાના દીકરાને ડોક્ટર બનવાની ઈચ્છા

નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે 29 વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે. તમામ વિદ્યાર્થીઓમાંથી રૂદ્ર મનોજભાઈ પોરિયાને 97.67 ટકા પ્રાપ્ત થયા છે. પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડોક્ટર બનવાની ઈચ્છા છે. ત્યારે બાળકના પિતાએ કહ્યું કે અમે છૂટ આપી છે. શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને તેમની રૂચી અને રસ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી તેઓ પોતાની રીતે ખીલી શકે છે.

તપોવનમાં તપ કરી સિધ્ધિ મેળવી

નાના વરાછા ખાતે આવેલી તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું છે. તપોવનના 79 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે રાયઝન સ્કૂલમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદા કેતનભાઈને 98.83 ટકા સાથે 99.99 પર્સેન્ટાઈલ પ્રાપ્ત થયા છે. ત્યારે શાળાના આચાર્ય ભાવેશભાઈએ કહ્યું કે, વૃંદા સંભવિત રાજ્યમાં ટોપર છે. જ્યારે મનસુખભાઈ ગોટીએ કહ્યું કે, આ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારની મહેનતનું પરિણામ છે. જેથી આ સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. વૃંદાએ કહ્યું કે, રોજે-રોજની મહેનતના કારણે સફળતા મળી છે. આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

કૌશલ્યની દીકરીએ દેખાડ્યું કૌશલ્ય

કૌશલ વિદ્યાભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. એ-2 કરતાં શાળાના એ-1 વિદ્યાર્થીઓ વધુ આવ્યાં છે. શાળાાંથી 120 વિદ્યાર્થીઓને એ-1 મળ્યો છે જ્યારે 78 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. શાળાની વિદ્યાર્થિની શેલડિયા નિયતિના પપ્પા રત્નકલાકાર છે. હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને 99.93 પી.આર. અને 97.50 ટકા સાથે અવ્વલ રહી હતી. તેણીને આગામી સમયમાં એ ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયાએ કહ્યું કે, દર વર્ષ કરતાં આ વર્ષે ઉંચુ પરિણામ આવ્યું છે. જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે. ધગશ અને મહેનતના કારણે આ પરિણામ કોરાના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે.

એમ્બ્રોઈડરી વર્ક કરતાં પિતાની દીકરીની સિધ્ધિ

ઉતરાણ ખાતે આવેલી મૌની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કુલ 121 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ટ્રસ્ટી જે.બી. સરે કહ્યું કે, 24 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ જ્યારે સંસ્કૃતમાં 18 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યાં હતાં. જ્યારે ગણિત સહિતના વિષયમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યાં છે. સાચપરા રૂદ્રીના પિતા પરેશભાઈ એમ્બ્રોઈડરી વર્ક સાથે સંકળાયેલા છે. ત્યારે રૂદ્રીને ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 ગુણ મળ્યાં છે. તેને 97.66 ટકા આવ્યાં છે. તેણીને આગામી સમયમાં એરોસ્પેશ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું.

(અરવિંદ ગોંડલિયા-સુરત)