સુખવિંદર સુખુએ કોંગી નેતાઓ સાથે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો કર્યો દાવો

શનિવારે હિમાચલ પ્રદેશમાં સીએમના નામની જાહેરાત સાથે જ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નામાંકિત મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને અન્ય કોંગ્રેસી નેતાઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો. જેમાં કોંગ્રેસના સુપરવાઈઝર ભૂપેશ બઘેલ, પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ સામેલ હતા.

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી આવતીકાલે એટલે કે 11 ડિસેમ્બરે શપથ લેશે. આ પહેલા શનિવારે શિમલામાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિમાચલ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા, કોંગ્રેસના બંને સુપરવાઈઝર ભૂપેશ બઘેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ હાજર હતા.

સુખવિન્દર સુખુને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા 

આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખવિંદર સિંહ સુખુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી અને મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ રાજીવ શુક્લાએ જણાવ્યું કે પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે સુખવિંદર સિંહ સુખુ મુખ્યમંત્રી હશે.

રવિવારે શપથ લેશે

તેમણે કહ્યું કે બેઠકમાં તમામ 40 ધારાસભ્યોએ સર્વસંમતિથી સુખવિંદર સિંહ સુખુને તેમના નેતા તરીકે પસંદ કર્યા. આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. મુખ્યમંત્રી તરીકે નામાંકિત થવા પર સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના આભારી છે. હું એક સામાન્ય પરિવારથી ઉપર ઊઠીને અહીં પહોંચ્યો છું.

સુખવિંદર સિંહ સુખુએ શું કહ્યું?

સુખવિંદર સિંહ સુખુએ વધુમાં કહ્યું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ મને NSUIનો પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો, સોનિયા ગાંધીએ તેમને યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા. અમે લોકોની સેવા કરવા અને સિસ્ટમ બદલવા માટે કામ કરીએ છીએ. હિમાચલના લોકોના હિતમાં સંપૂર્ણ મહેનત સાથે કામ કરવામાં આવશે. હિમાચલ ચૂંટણીમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો જીતી છે. જ્યારે ભાજપે 25 બેઠકો જીતી છે. ગુરુવારે (8 ડિસેમ્બર) પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.