ફેક ન્યૂઝ પર સખતાઈ, સરકાર IT નિયમોમાં કરશે ફેરફાર

નવી દિલ્હીઃ સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો 2021માં ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેથી ડિજિટલ સામગ્રી પર નવા પ્રતિબંધો મૂકી શકાય. પ્રસ્તાવિત બદલાવ મુજબ એવી કોઈ પણ ડિજિટલ સામગ્રી પ્રસારિત નહીં કરવામાં આવે, જેમાં અશ્લીલ, માનહાનિકારક, જાણીજોઈને ખોટી, સંકેતાત્મક ટિપ્પણીઓ, ઈશારા અથવા અર્ધસત્ય હોય.

નવી જોગવાઈમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટ સારી-સભ્ય રુચિ અથવા શીલ-શોભા સામેનું ન હોવું જોઈએ, કોઈ જાતિ, વર્ણ, ધર્મ, વંશ અથવા રાષ્ટ્રીયતાનું અપમાન ન કરવું જોઈએ. લોકોને અપરાધ માટે ઉશ્કેરે નહીં કે હિંસા વધારતી કે તેની મહિમા કરતી સામગ્રી નહીં હોય. આ ફેરફારો ખાસ કરીને ભાગ-3 હેઠળ લાવવાની વાત ચાલી રહી છે. ભાગ-3 ડિજિટલ વિડિયો ઈન્ટરમિડિયરી (જેવા કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ) અને OTT પ્લેટફોર્મ્સ (જેવાં કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની + હોટસ્ટાર, સોની લાઇવ) પર લાગુ પડે છે તેમ જ સમાચાર ચેનલ અને અખબારોના ડિજિટલ પોર્ટલ્સ પર પ્રકાશિત સામગ્રી પર પણ લાગુ થશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ પણ પ્રસ્તાવ કરી શકે છે કે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ કોઈ વ્યક્તિ, કોઈ જૂથ અથવા ભારતના સામાજિક, જાહેર કે નૈતિક જીવનના કોઈપણ ભાગની નિંદા કે બદનામી કરતી સામગ્રી હોસ્ટ કે પ્રસારિત ન કરે. આ ફેરફારોનો હેતુ ઓનલાઇન પ્લેટફોર્મ પર ફેલાતી આપત્તિજનક અને ભડકાઉ સામગ્રીને નિયંત્રિત કરવો છે. હજી આ પ્રસ્તાવિત છે અને તેમને અંતિમ સ્વરૂપ આપવા અને અમલમાં લાવવા સરકાર પ્રક્રિયા નક્કી કરશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) ડિજિટલ કન્ટેન્ટ માટે નવા નિયમો લાવવા તૈયારી કરી રહ્યું છે. આ નિયમો મુજબ કોઈ પણ ઓનલાઇન સામગ્રીમાં કોઈ જાતિ, ભાષા અથવા ક્ષેત્ર સંબંધિત જૂથનો અપમાન કરે એવું અથવા ઘમંડી વલણ દર્શાવતું કન્ટેન્ટ પ્રતિબંધિત થશે.  મંત્રાલયનો પ્રસ્તાવ છે કે આવા નિયમોનું ઉલ્લંઘન કરવા પર હાલ ઓનલાઇન અશ્લીલ સામગ્રી પ્રસારિત પર જે સજા થાય છે, તે જ લાગુ થશે.