નિષ્પક્ષ ચૂંટણી માટે સક્રિય સ્થાયી દેખરેખ ટૂકડી

અમદાવાદ: ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર રોકડની હેરફેર કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના કારણે ‘સ્ટેટિક સર્વેલન્સ ટીમ’ એટલે કે સ્થાયી દેખરેખ ટૂકડી આચાર સંહિતા લાગતાની સાથે જ દરેક મત વિસ્તારમાં સક્રિય થઈ જાય છે. જેમાં પોલીસના જવાનો સાથે ચૂંટણી પંચે નીમેલો સ્ટાફ માર્ગો પરના વાહનોનું ચેકિંગ કરે છે.નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે અમદાવાદ શહેર પશ્ચિમ લોકસભા વિસ્તાર, ગાંધીનગર લોકસભા વિસ્તાર, અમદાવાદ શહેર પૂર્વ લોકસભા વિસ્તારના જુદા-જુદા વિધાનસભા ક્ષેત્રમાં ‘STATIC SURVEILLANCE TEAM’ કામગીરી કરી રહી છે.

તપાસ દરમિયાન, ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં કાયદા કરતાં વધુ રોકડ મળી આવે અથવા આ વાહનમાં કોઈપણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા કિંમતી એવી ભેટ-સોગાદો મળી આવે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાતી જણાય તો, તે જપ્તીને પાત્ર હોય છે. આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવે છે. આ વીડિયોગ્રાફીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે.આ ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક ખાસ તેમના વ્યક્તિગત ઉપયોગ માટે નક્કી કરેલી રોકડ રકમ લઈ જતા હોય અથવા તો પક્ષનો કોઈ કાર્યકર રોકડ રકમ લઈ જતો હોય ત્યારે તે રકમનો ઉપયોગ કેવી રીતે થવાનો છે? એની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઈ જવું ફરજિયાત છે. સ્થાયી દેખરેખ ટુકડી (SST)ના અધિકારી આ પ્રમાણપત્રની નકલ પોતાની પાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી. જો કોઈ વાહનમાં ચૂંટણી પંચે નક્કી કરેલી રકમ કરતાં વધારે રૂપિયા મળે અને કોઈ ગુનો બનવાની શંકા ન હોય અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલ ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહીં. અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવકવેરા સત્તાધિકારીને મોકલી આપશે.રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણીની જાહેરાતની તારીખથી જિલ્લા કક્ષાએ ખર્ચની વિવિધ ટીમ વચ્ચે સંકલન માટે ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરાયા છે. ખર્ચની ટીમો પૈકી ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઈંગ ટીમ, એકાઉન્ટિંગ ટીમ કાર્યરત કરાઈ છે.આ ઉપરાંત ઈન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓ સક્રિય થઈ જાય છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીઓ પણ નિમાય છે. પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણુંક થાય છે. ચૂંટણીની અધિસૂચના થયા પછી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને મદદનીશ ખર્ચ નિરીક્ષકોએ કામગીરી શરૂ કરી દીધી છે.ફ્લાઈંગ સ્ક્વોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનીટર કરવા માટે એમાં જી.પી.એસ. ફીટ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)