બાઝલ (સ્વિટ્ઝરલેન્ડ) – ભારતની પી.વી. સિંધુએ બેડમિન્ટન રમતમાં ઈતિહાસ સર્જ્યો છે. એણે આજે અહીં મહિલાઓની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. સિંગલ્સ ફાઈનલમાં એણે જાપાનની નોઝોમી ઓકુહારાને સીધા સેટની રમતમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સિંધુ વિશ્વ સ્પર્ધાની આ સતત ત્રીજી વાર ફાઈનલમાં પહોંચી હતી અને આખરે સફળ થઈ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનો આ પાંચમો મેડલ છે. પહેલો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં 2013માં એણે કાંસ્ય, 2014માં પણ કાંસ્ય, 2017માં રજત અને 2018માં પણ રજત ચંદ્રક જીત્યો હતો.
વિશ્વમાં પાંચમી ક્રમાંકિત સિંધુએ જાપાનની તૃતિય ક્રમાંકિત ઓકુહારાને 21-7, 21-7થી પરાજય આપ્યો હતો.
આ સિદ્ધિ હાંસલ કરનાર સિંધુ પહેલી જ ભારતીય ખેલાડી બની છે. સિંધુ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા પણ બની છે.
સમગ્ર મેચમાં સિંધુએ શરૂઆતથી જ ઓકુહારા પર વર્ચસ્વ જમાવ્યું હતું.
આ વિશ્વિ વિજેતાપદ સિંધુને સતત બે વાર હાથતાળી આપી ચૂક્યું હતું, પરંતુ આ વખતે એણે પૂરી તાકાત લગાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એની સખત મહેનત આખરે ફળી છે.
24 વર્ષની સિંધુએ ઓકુહારાને હરાવવામાં માત્ર 40-મિનિટનો સમય લીધો હતો. આ સાથે જ એણે ઓકુહારાના હાથે 2017ની ફાઈનલમાં પોતાનાં થયેલા પરાજયનું સાટું વાળી લીધું છે.
માત્ર છ મેચમાં પાંચ મેડલ જીતનાર તે પહેલી મહિલા સિંગલ્સ ખેલાડી છે. જ્યારે વિશ્વ સ્પર્ધામાં ત્રણેય મેડલ જીતનાર તે ચોથી ખેલાડી છે.