લંડનઃ ટેનિસની રમતની સૌથી જૂની સ્પર્ધા વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ આવતા અઠવાડિયાથી યોજાશે. ચાર ગ્રાન્ડસ્લેમમાંની એક આ સ્પર્ધા ગયા વર્ષે કોરોનાવાઈરસ ચેપી બીમારીના ફેલાવાને કારણે યોજી શકાઈ નહોતી. પરંતુ આ વર્ષે તેને કોરોનાના કડક નિયંત્રણો-નિયમો હેઠળ યોજવાનું નક્કી કરાયું છે.
આયોજક ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ ક્લબના ચેરમેન ઈયાન હેવિટે કહ્યું છે કે, આ વર્ષે વિમ્બલ્ડન સ્પર્ધા યોજવા માટે અમે અમારા બધા ઉત્સાહ અને રોમાંચને તૈયારીઓને આખરી ઓપ આપવા માટે કામે લગાડી દીધા છે. દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ અહીં અમારી ગ્રાસ કોર્ટ પર રમવા માટે પરત ફરશે. એવી જ રીતે, સ્ટેન્ડ્સમાં ટિકિટધારક દર્શકો પણ પાછાં ફરશે. વિમ્બલ્ડન સ્પર્ધા-2021માં દરરોજ 21,000 દર્શકો હાજર રહી શકશે, જે તેની નિયમિત ક્ષમતા કરતાં અડધી છે. મહિલાઓની ફાઈનલ અને પુરુષોની ફાઈનલ મેચો વખતે માત્ર 15,000 દર્શકોને જ હાજર રાખવામાં આવશે. તમામ ટિકિટધારકોએ સ્ટેડિયમમાં ફરતી વખતે મોઢા પર માસ્ક પહેરી રાખવો પડશે. સ્ટેન્ડમાં સીટ પર બેઠાં હોય ત્યારે માસ્ક પહેરવાનું ફરજિયાત નહીં રહે. ખાન-પાનની ચીજવસ્તુઓનું વેચાણ દર્શકો માટે ખુલ્લું રહેશે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે.