તિરુવનંતપુરમઃ પાંચ ઓક્ટોબરથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે. તેમાંની એક ટીમ, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કેગિસો રબાડાનું માનવું છે કે એની ટીમ પણ સ્પર્ધા જીતી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા હજી સુધી એકેય વાર ODI વર્લ્ડ કપ સ્પર્ધા જીતી શક્યું નથી. એની પાસે અનેક સ્ટાર ખેલાડીઓ છે તે છતાં એને વિજેતાપદ હાથતાળી આપતું રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યાર સુધીમાં ચાર વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ એકેય સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચી શકી નથી, પણ રબાડાનું કહેવું છે કે આ વખતે એવા ધરખમ ખેલાડીઓ છે જે ઈતિહાસ સર્જી શકે છે.
ટેમ્બા બવૂમાના નેતૃત્ત્વ પદ હેઠળની દક્ષિણ આફ્રિકા ટીમ આવતીકાલે અહીં અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમશે. બીજી વોર્મ-અપ મેચ આવતા સોમવારે તિરુવનંતપુરમમાં જ ન્યૂઝીલેન્ડ સામે રમશે. તે પછી 7 ઓક્ટોબરે નવી દિલ્હીમાં શ્રીલંકા સામે પહેલી વર્લ્ડ કપ મેચ રમશે.
હાલમાં જ દક્ષિણ આફ્રિકા ટીમે ઓસ્ટ્રેલિયાને દ્વિપક્ષીય વન-ડે સીરિઝમાં 3-2થી પરાજય આપ્યો હતો અને મેન્સ ODI ટીમ રેન્કિંગ્સમાં ચોથા ક્રમે આવી છે. તેથી વર્લ્ડ કપ-2023 જીતવાનો તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. 2019માં ઈંગ્લેન્ડની વર્લ્ડ કપમાં રમેલી દક્ષિણ આફ્રિકા ટીમના 8 ખેલાડીઓ આ વખતની સ્પર્ધામાં રમશે, જેમાંનો એક રબાડા છે.