મુંબઈઃ ભારતના પ્રવાસે આવી રહેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના પ્રવાસ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ફેરફાર કર્યો છે. નવા કાર્યક્રમ મુજબ, બંને ટીમ પહેલાં ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે અને ત્યારબાદ બે ટેસ્ટ-મેચની શ્રેણી રમાશે. બંને ટેસ્ટ મેચ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2021-23નો હિસ્સો રહેશે. આ ફેરફારને કારણે ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની કારકિર્દીની એક મહત્ત્વની સિદ્ધિ બેંગલુરુને બદલે મોહાલી શહેરના સ્ટેડિયમમાં નોંધાવશે.
શ્રીલંકા સામેની ટ્વેન્ટી-20 મેચો લખનઉ અને ધરમસાલામાં રમાઈ ગયા બાદ પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે અને બીજી, જે ડે-નાઈટ અને ગુલાબી રંગના બોલથી રમાશે, તે બેંગલુરુમાં યોજાશે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે ભારત અને શ્રીલંકા પહેલાં બે ટેસ્ટ મેચ રમશે અને પહેલી ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે. તેથી કોહલીને તે જેનો કેપ્ટન છે એ તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વતન-શહેર બેંગલુરુમાં પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમવાની તક હતી. પરંતુ હવે ક્રિકેટ બોર્ડે કાર્યક્રમ બદલી નાખ્યો છે. કોહલી 99 ટેસ્ટ મેચમાં 168 દાવ રમ્યો છે, જેમાં તેણે 55.68ની સરેરાશ સાથે 7,962 રન કર્યા છે. એનો હાઈએસ્ટ સ્કોર 254 રન છે. એણે 27 સદી, 7 બેવડી સદી અને 28 અડધી સદી ફટકારી છે.
ભારત-શ્રીલંકા શ્રેણીઓનો નવો કાર્યક્રમઃ
- પહેલી T20I: 24 ફેબ્રુઆરીએ લખનઉમાં
- બીજી T20I: 26 ફેબ્રુઆરીએ ધરમસાલામાં
- ત્રીજી T20I: 27 ફેબ્રુઆરીએ ધરમસાલામાં
પહેલી ટેસ્ટ મેચઃ માર્ચ 4-8, મોહાલી
બીજી ટેસ્ટ મેચ (ડે-નાઈટ, પિંક બોલ): 12-16 માર્ચ, બેંગલુરુ