મને રાંધતા આવડતું નથી, પણ નિવૃત્ત થયા પછી એ શીખીશઃ વિરાટ કોહલી

મુંબઈ – ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો ઉછેર નવી દિલ્હીમાં થયો છે. એ પોતાના શરીરની ફિટનેસ જાળવી રાખવા માટે વેગન બની ગયો છે. એણે માંસાહાર છોડી દીધો છે.

એક મુલાકાતમાં એણે કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં એણે પોતાની આહાર પદ્ધતિને સાવ બદલી નાખી છે, પરંતુ તે છતાંય ખાવાનો તો એ હજી પણ એટલો જ શોખીન છે.

કોહલીએ કહ્યું કે પોતે પંજાબી પરિવારમાં રાજમા-ચાવલ, બટર ચિકન અને નાન જેવી ચીજો ખાઈને મોટો થયો છે. પણ હજી સુધી એણે રાંધવા પર પોતાનો હાથ અજમાવ્યો નથી, પણ ક્રિકેટની રમતમાંથી નિવૃત્ત થયા બાદ પોતે જરૂર એ શીખવામાં આગળ વધશે.

‘હું નાનપણથી નિતનવી ચીજો ખાવાનો શોખીન રહ્યો છું. નાનો હતો ત્યારે ઘણું બધું જંક ફૂડ પણ ખાતો. વખત જતાં મારે પ્રવાસે જવાનું શરૂ થયું અને મને જુદી જુદી વાનગીઓ ખાવા મળી હતી,’ એમ તેણે કહ્યું.

કોહલી હવે વેગન બની ગયો છે. વેગન લોકો વેજિટેરિયન લોકોથી અલગ હોય છે. તેઓ જનાવરો પાસેથી માનવીઓ જે કંઈ લે એ ખાતા નથી, મતલબ કે દૂધ, દહીં, લસ્સી, માંસ, માછલી, ચિકન, મધ વગેરે ખાતા નથી. તેઓ માત્ર ઝાડ અને વનસ્પતિમાંથી મળતા ખાદ્યપદાર્થોનું સેવન કરે છે. તેઓ દાળ, કઠોળ ખાય છે, શાકભાજી અને ફળ પણ ખાય છે. પરંતુ પશુઓનું શોષણ કરીને કોઈ પણ પદાર્થનું સેવન કરતા નથી.

‘મને રાંધતા આવડતું નથી, પરંતુ હું સ્વાદ પારખી શકું છું. કોઈ પણ વાનગી કેટલી સરસ રીતે રંધાઈ છે એ હું સમજી શકું છું. એટલે મને રાંધવાનું શીખવામાં બહુ તકલીફ નહીં પડે. હું જ્યારે નિવૃત્ત થઈશ ત્યારે રાંધવાનું જરૂર શીખીશ. મને ખરેખર એમાં રસ છે,’ એમ પણ કોહલીએ કહ્યું.

કોહલીને હાલ બાંગ્લાદેશ સામે ઘરઆંગણાની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.

ક્રિકેટમાંથી આ બ્રેક લઈને એ તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માની સાથે ભૂટાન ગયો હતો અને ત્યાં જ એણે તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો.

કોહલી બાંગ્લાદેશ સામે જ બે-ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ટીમ સાથે પાછો જોડાશે. પહેલી ટેસ્ટ મેચ 14 નવેંબરથી રમાવાની છે.