બેંગલુરુ – ગયા બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલ-11 લીગ મેચ વખતે નિર્ધારિત સમયની અંદર પોતાની ટીમની 20 ઓવર પૂરી ન કરાવી શકવા બદલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મિનિમમ ઓવર-રેટ ગુનાઓ સંબંધિત આઈપીએલની આચારસંહિતા હેઠળ આ મોસમમાં બેંગલોર ટીમનો આ પહેલો જ ગુનો હોવાથી તેના કેપ્ટન કોહલીને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે.
ભારે રોમાંચક નિવડેલી તે મેચમાં યજમાન બેંગલોર ટીમે 20 ઓવરમાં 205 રનનો સ્કોર નોંધાવ્યો હતો, પણ ચેન્નાઈ ટીમને 206 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરતા રોકી શકી નહોતી. ચેન્નાઈના અંબાતી રાયડુએ 82 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 70 રન કરીને એમની ટીમની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. ચેન્નાઈ ટીમે બે બોલ બાકી ફેંકાવાના બાકી રાખીને મેચ જીતી લીધી હતી.
વર્તમાન આઈપીએલ મોસમમાં કોહલીનો આ પહેલો જ ગુનો છે. તે છતાં જુદી જુદી ટીમો ફાળવવામાં આવેલા સમયની અંદર ઓવરોનો એમનો ક્વોટા પૂરી કરવામાં નિષ્ફળ ગઈ હોવાના અનેક દાખલા બન્યા છે. અત્યાર સુધીમાં 24 મેચો રમાઈ ચૂકી છે, એમાંથી માત્ર બે જ ટીમ નિર્ધારિત સમયે કે એની અંદર 20 ઓવર પૂરી કરવામાં સફળ રહી છે. મેચ પૂરી કરવા માટે નિર્ધારિત સમયગાળા – 200 મિનિટ બાદ લેવાતો એવરેજ ટાઈમ 18.67 મિનિટ છે.
તે મેચમાં બેંગલોરના કેપ્ટન કોહલી અને બોલરોએ વ્યૂહરચનાઓ ઘડવા માટે વધારે સમય લીધો હતો. એને કારણે ટીમ નિર્ધારિત સમયગાળાની અંદર પોતાની ઓવરોનો ક્વોટા પૂરો કરી શકી નહોતી.