કેપ્ટન વિલિયમ્સનના 63 રનઃ હૈદરાબાદે રાજસ્થાનને 11-રનથી પરાજય આપ્યો

જયપુર – કેપ્ટન કેન વિલિયમ્સને કરેલા 63 રન અને એલેક્સ હેલ્સ (45) સાથે એની 92 રનની ભાગીદારીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આજે અહીં રાજસ્થાન રોયલ્સને આઈપીએલ-11ની લીગ મેચમાં 11-રનથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે હૈદરાબાદ ટીમ ફરી પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાન પર પહોંચી ગઈ હતી.

કેન વિલિયમ્સન – હૈદરાબાદ કેપ્ટન

સ્કોરઃ હૈદરાબાદ 151-7 (20), રાજસ્થાન 140-6 (20).

વિલિયમ્સનને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

આ પહેલાંની બે મેચ જીતનાર હૈદરાબાદને આજે જીત અપાવવામાં બોલરોએ પણ ભાગ ભજવ્યો હતો.

રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણેએ 53 બોલમાં 65 રન ફટકારીને ટીમના સ્કોરને વધારવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, તે છતાં એ સાત મેચોમાં પોતાની ટીમના આ ચોથા પરાજયને રોકી શક્યો નહોતો.

હૈદરાબાદના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે 23 રનમાં બે વિકેટ લીધી હતી તો રાશીદ ખાન, યુસુફ પઠાણ, બાસીલ થામ્પી અને સંદીપ શર્માએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

વિલિયમ્સને 43 બોલનો સામનો કર્યો હતો અને સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હેલ્સના 45 રનમાં ચાર ચોગ્ગા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]