આખરે T-20માંથી નિવૃતિને લઈ વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શુ કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 2024ના T20 વર્લ્ડ કપ બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ નિર્ણય બાદ લગભગ 10 મહિના પછી કોહલીએ પોતાના મૌનને તોડીને નિવૃત્તિનું કારણ સ્પષ્ટ કર્યું છે. 2024ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 59 બોલમાં 76 રનની મેચવિનિંગ ઈનિંગ રમનાર કોહલીએ ભારતને ટાઈટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટૂર્નામેન્ટ બાદ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ના પોડકાસ્ટમાં વાત કરતાં કોહલીએ જણાવ્યું કે, “મેં 2026ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને તૈયાર થવા માટે બે વર્ષનો સમય આપવાનો નિર્ણય લીધો. નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણનો સામનો કરવા, વિવિધ પરિસ્થિતિઓમાં રમવા અને પોતાની ક્ષમતા દર્શાવવા માટે સમયની જરૂર છે. આ નિર્ણય ટીમના ભવિષ્યને મજબૂત કરવા માટે લેવાયો હતો.”

કોહલીએ ભારત માટે 125 T20I મેચોમાં 48.69ની શાનદાર એવરેજથી 4188 રન બનાવ્યા છે. હાલ તે IPL 2025માં RCB માટે ઉમદા ફોર્મમાં છે, જ્યાં તેણે 10 મેચોમાં 63.28ની એવરેજથી 443 રન ફટકાર્યા છે. કોહલીની નિવૃત્તિ ભારતીય T20 ટીમ માટે નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે, જ્યાં યુવા ખેલાડીઓને આગળ આવવાની તક મળશે.