વિનેશ ફોગાટે વિશ્વ કુસ્તીમાં કાંસ્યચંદ્રક જીત્યો; ઓલિમ્પિક્સ-2020 માટે ક્વાલિફાય થઈ

નૂર-સુલતાન (કઝાખસ્તાન) – ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે અહીં રમાતી વિશ્વ કુસ્તી સ્પર્ધામાં મહિલાઓનાં 53 કિ.ગ્રા. વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. એણે ગ્રીસની મારિયા પ્રોવોલારિકીને 4-1 સ્કોરથી હરાવીને આ મેડલ હાંસલ કર્યો છે.

વિશ્વ સ્પર્ધામાં મેડલ જીતનાર વિનેશ પાંચમી ભારતીય મહિલા બની છે જ્યારે પ્રી-ઓલિમ્પિક વર્ષમાં મેડલ જીતનાર એ પહેલી જ ભારતીય મહિલા એથ્લીટ છે.

વિનેશે રીપેચેજ દ્વારા મેડલ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે એણે આવતા વર્ષે ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વાલિફાય પણ થઈ ગઈ છે. ટોકિયો ઓલિમ્પિક્સમાં કુસ્તીની રમતમાં ભારતનો પ્રથમ ક્વોટા હાંસલ કરનાર વિનેશ પહેલી ભારતીય પહેલવાન બની છે.

રીપેચેજના પહેલા રાઉન્ડમાં વિનેશે યુક્રેનની યુલીયા બ્લાનિયાને 5-0થી હરાવી હતી. ત્યારબાદ એનો મુકાબલો અમેરિકાની વર્લ્ડ નંબર-1 સારાહ એન હિલ્ડરબ્રેન્ટ સામે થયો હતો જેમાં એણે 8-2થી જીત મેળવી હતી અને ટોપ-6માં સ્થાન મેળવ્યું હતું. એ સાથે જ ટોકિયો ઓલિમ્પિક્સમાં એનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું. વિશ્વ સ્પર્ધામાં ટોચના 6 નંબરની પહેલવાનોને ઓલિમ્પિક્સમાં ભાગ લેવા મળે છે.

વિનેશ અગાઉ મંગળવારે, રાઉન્ડ-16માં જાપાનની પહેલવાન અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન માયુ મુકૈદા સામે હારી ગઈ હતી, પરંતુ મુકૈદા ફાઈનલમાં પહોંચી જતાં વિનેશ રીપેચેજ રાઉન્ડ માટે ક્વાલિફાય થઈ હતી. જાપાની પહેલવાન માયુ સામે વિનેશ આ મોસમમાં આ સતત બીજી વાર હારી હતી. આ પહેલાં ચીનમાં રમાઈ ગયેલી એશિયન સ્પર્ધામાં એનો પરાજય થયો હતો.