ઉમેશ યાદવને પિતૃશોક; કુસ્તીબાજ પિતાએ દીકરાને ક્રિકેટર બનાવ્યો

નાગપુરઃ હાલ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચાર-ટેસ્ટની શ્રેણીમાં રમતી 17-સભ્યોની ભારતીય ટીમના સભ્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું અત્રે નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા અને છેલ્લા કેટલાક મહિનાથી બીમાર હતા. નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યાં એમની તબિયત ન સુધરતાં એમને ઘેર લાવવામાં આવ્યા હતા અને બુધવાર, 22 ફેબ્રુઆરીએ સાંજે એમણે આખરી શ્વાસ લીધો હતો.

તિલક યાદવ યુવાન વયમાં પ્રસિદ્ધ કુસ્તીબાજ હતા. તેઓ ઉત્તર પ્રદેશના પડરૌના જિલ્લાના પોકરભિંડા ગામના રહેવાસી હતા. એમને નાગપુરના જિલ્લાના ખાપરખેડા ગામસ્થિત કોલસાની ખાણ ધરાવતી વેસ્ટર્ન કોલ ફિલ્ડ કંપનીમાં નોકરી મળી હતી એટલે કુટુંબ સાથે નાગપુરમાં રહેતા હતા. પોતે કુસ્તીબાજીના એથ્લીટ હતા, પરંતુ દીકરા ઉમેશને ક્રિકેટર બનાવ્યો હતો. તિલક યાદવના પરિવારમાં ત્રણ દીકરા છે – કમલેશ, ઉમેશ અને રમેશ. એમને એક પુત્રી પણ છે. નાગપુર જિલ્લામાં કોલાર નદીના ઘાટ પર એમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.