કોહલીની હરોળમાં અન્ડર-19 ટીમ કેપ્ટન યશ ઢુલ

એન્ટીગ્વાઃ અહીં રમાતી અન્ડર-19 ક્રિકેટરોની વર્લ્ડ કપ સ્પર્ધામાં ગઈ કાલે રમાઈ ગયેલી સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96-રનથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં શનિવારે એનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ઈંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચી છે. અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય ટીમે આ સતત ચોથી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ઓસ્ટ્રેલિયા પરનો ભારતનો વિજય કેપ્ટન યશ ઢુલની ફાંકડી સદીને આભારી છે. તેણે ગઈ કાલની મેચમાં ચોથા ક્રમે બેટિંગ કરીને 110 બોલમાં 110 રન ફટકાર્યા હતા. એમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ઢુલ અને ત્રીજા નંબરે આવેલા શેખ રશીદે ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. રશીદે 94 રન કર્યા હતા. ઢુલે ટોસ જીત્યા બાદ ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 290 રન કર્યા હતા. તેના જવાબમાં, કૂપર કોનોલીના નેતૃત્ત્વવાળી ઓસ્ટ્રેલિયન ટીમ 41.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યશ ઢુલને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં સદી ફટકારનાર 19 વર્ષીય યશ ઢુલ ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ સિદ્ધિ આ પહેલાં વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદ હાંસલ કરી ચૂક્યા છે.