ક્રાઈસ્ટચર્ચ – અગાઉની મેચોમાં મોટા માર્જિન સાથે વિજય હાંસલ કરનાર ઈન-ફોર્મ ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે અહીં હેગ્લે ઓવલ મેદાન પર રમાનાર અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવવા માટે સજ્જ થઈ ગઈ છે. આ મેચ ભારતીય સમય મુજબ, 30 જાન્યુઆરીના મંગળવારે વહેલી સવારે 3 વાગ્યે રમાશે. આ મેચ જે ટીમ જીતશે એ 3 ફેબ્રુઆરીએ માઉન્ટ મોન્ગનુઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમશે, જેણે આજે રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો.
ત્રણ વખત આ સ્પર્ધામાં વિજેતા બની ચૂકેલી જૂનિયર ભારતીય ક્રિકેટરોએ આ વખતની સ્પર્ધામાં અત્યાર સુધીમાં એકદમ પ્રોફેશનલ દેખાવ કર્યો છે. તેઓ એમની ચારેય મેચ જીત્યા છે. ક્વોર્ટર ફાઈનલમાં એમણે બાંગ્લાદેશને કચડી નાખ્યું હતું.
સામે છેડે, પાકિસ્તાન બે વખત આ સ્પર્ધામાં ચેમ્પિયન રહ્યું છે. આ વખતની સ્પર્ધામાં તેના ખેલાડીઓનો આરંભ સારો રહ્યો નહોતો. તેઓ એમની પહેલી જ મેચમાં અફઘાનિસ્તાન સામે હારી ગયા હતા, પરંતુ ત્યારબાદ બીજી ત્રણ મેચો એમણે જીતી હતી. જોકે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે મેચનું પરિણામ સાંકડા તફાવતવાળું આવ્યું હતું.
પાકિસ્તાનની બોલિંગનું આક્રમણ ડાબોડી ફાસ્ટ બોલર શાહીન અફરિદીએ સંભાળ્યું છે. તો મિડલ ઓર્ડર બેટ્સમેન અલી ઝયરાબ આસીફે બેટિંગનો મામલો સંભાળ્યો છે. શ્રીલંકા સામેની મેચમાં એણે 59 રન કર્યા હતા તો દક્ષિણ આફ્રિકા સામેની ક્વોર્ટર ફાઈનલ મેચમાં એણે 74 રન કર્યા હતા.
ભારતીય ટીમમાં, ફાસ્ટ બોલરો – કમલેશ નાગરકોટી અને શિવમ માવીએ હરીફ ટીમોની બેટિંગ નબળાઈઓનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. યુવા ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ ભરપૂર છે.
આઈપીએલ-11 માટેની હરાજીમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે ડાબોડી ફાસ્ટ બોલર નાગરકોટી અને માવીને અનુક્રમે રૂ. 3.2 કરોડ અને રૂ. 3 કરોડમાં ખરીદ્યા છે. જ્યારે ડાબોડી સ્પિનરો – અનુકૂલ રોય અને અભિષેક શર્માને અનુક્રમે મુંબઈ ઈન્ડિયન્સ તથા દિલ્હી ડેરડેવિલ્સે રૂ. 20 લાખ તથા રૂ. 55 લાખમાં ખરીદ્યા છે.
ભારતીય ટીમની બેટિંગનો મુખ્ય ભાર જે બે જણ પર રહ્યો છે તે કેપ્ટન પૃથ્વી અને શુભમાન ગિલે પણ આઈપીએલ ટીમોને પ્રભાવિત કરી છે.
ક્વોર્ટર ફાઈનલ મેચમાં ગિલે મેચ-વિનિંગ 86 રન ફટકાર્યા હતા. અત્યાર સુધીમાં એ 239 રન ફટકારી ચૂક્યો છે અને ભારતીય ટીમનો એ નંબર-વન સ્કોરર છે. એને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે 1.8 કરોડમાં અને પૃથ્વી શૉને મુંબઈ ઈન્ડિયન્સે 1.2 કરોડમાં ખરીદ્યો છે.
બંને ટીમ નીચે મુજબ છેઃ
ભારતઃ પૃથ્વી શૉ (કેપ્ટન), શુભમાન ગિલ, આર્યન જુયલ, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, હાર્વિક દેસાઈ, મનજોત કાલરા, કમલેશ નાગરકોટી, પંકજ યાદવ, રિયાન પરાગ, ઈશાન પોરલ, હિમાંશુ રાણા, અનુકૂલ રોય, શિવમ માવી, શિવા સિંહ.
પાકિસ્તાનઃ હસન ખાન (કેપ્ટન), રોહેલ નઝીર, મોહમ્મદ અલી ખાન, અલી ઝયરાબ, અમ્માદ આલમ, અર્શદ ઈકબાલ, ઈમરાન શાહ, મોહમ્મદ તહા, મુહમ્મદ મોહસીન ખાન, મુહમ્મદ મુસા, મુહમ્મદ ઝૈદ, મુનીર રિયાઝ, સઈદ ખાન, શાહીન અફરિદી, સુલેમાન શફકાત.