IPL-11: જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો, રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડમાં ખરીદ્યો

બેંગલુરુ – ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી 11મી મોસમ માટે ખેલાડીઓની હરાજીમાં ભારતનો સૌથી મોંઘો ખેલાડી ઠર્યો છે. હરાજીના આજે બીજા દિવસે એને રાજસ્થાન રોયલ્સ ટીમે સૌથી ઊંચી બોલી લગાવીને, રૂ. 11 કરોડ 50 લાખમાં ખરીદ્યો છે.

ભારત વતી માત્ર એક ટેસ્ટ મેચ, સાત વન-ડે ઈન્ટરનેશનલ અને ચાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂકેલો ઉનડકટ ક્રિકેટજગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

જોકે ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાનું માનવું છે કે ઉનડકટ એની બોલિંગ જોતાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે વધારે ફિટ થયો હોત.

બેંગલુરુમાં આઈટીસી ગાર્ડનિયા હોટેલ ખાતે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયાનું દ્રશ્ય

ટ્વિટર પર ઘણાએ ઉનડકટને આટલી ઊંચી કિંમતમાં ખરીદવામાં આવ્યો એ વિશે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કર્યાં છે.

ગયા વર્ષની આઈપીએલ સ્પર્ધામાં, ઉનડકટ સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબરનો બોલર બન્યો હતો. એ વખતે તે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ વતી રમ્યો હતો. સૌરાષ્ટ્રના આ ફાસ્ટ બોલરે 12 મેચમાં 11.4ના સ્ટ્રાઈક રેટ સાથે 24 વિકેટ લીધી હતી.

ગયા મહિને ભારતે ઘરઆંગણે શ્રીલંકાનો ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો. એમાં ઉનડકટે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. એણે તે સિરીઝમાં ત્રણ મેચમાં ચાર વિકેટ લીધી હતી.

દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી 10 વર્ષ રમનાર અને ટીમની સાથે પાંચ ટ્રોફી જીતનાર ઓફ્ફ સ્પિનર હરભજન સિંહને બે કરોડ રૂપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો છે.

હરભજને સોશિયલ મિડિયા પર તેના ભૂતપૂર્વ માલિકો – મુંબઈ ઈન્ડિયન્સનો આભાર માન્યો છે. પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એણે લખ્યું છે કે, તમારી સાથેના 10 વર્ષ યાદગાર બની રહેશે… તમારી સાથે રમવાની મજા આવી. 2018ની આઈપીએલ માટે ઓલ ધ બેસ્ટ.

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ સતત બીજા વર્ષે આઈપીએલમાં ખેલાડીઓની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બની રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે એને ગઈ કાલે હરાજીના પહેલા દિવસે રૂ. 12 કરોડ 50 લાખમાં ખરીદ્યો હતો.

હાલમાં જ ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં જોરદાર બોલિંગ કરનાર દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગીડીને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 50 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

ન્યૂ ઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન બ્રેન્ડન મેક્યૂલમને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો છે. એ ગયા વર્ષે ગુજરાત લાયન્સ વતી રમ્યો હતો. બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ સાથે રમવા પોતે આતુર છે એવું એણે કહ્યું છે.

વેસ્ટ ઈન્ડિઝના ધુંઆધાર બેટ્સમેન ક્રિસ ગેઈલને કિંગ્સ ઈલેવન પંજાબે એની બેઝ પ્રાઈસ – બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગેઈલને ગઈ કાલે હરાજીના પહેલા દિવસે ખરીદવાની કોઈ ટીમે પહેલ કરી નહોતી. આજે પ્રીતિ ઝીન્ટાની માલિકીવાળી પંજાબ ટીમે એને ખરીદ્યા બાદ ટ્વિટર પર પ્રીતિની મજાક ઉડાવવામાં આવી છે.

પાર્થિવ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ. 1.70 કરોડમાં ખરીદ્યો છે.

આઈપીએલ-11 સ્પર્ધા આ વર્ષની 7 એપ્રિલથી 27 મે સુધી રમાશે. સ્પર્ધાની પ્રારંભિક મેચ અને ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે.

આ વખતની મેચોના સમયમાં ફેરફાર કરાયો છે. પહેલી મેચ સાંજે ચારને બદલે 5.30 વાગ્યે શરૂ થશે અને બીજી મેચ રાતે 8 વાગ્યાને બદલે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

આ છે, આઈપીએલ-11ની 8 ટીમો…

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કાઈરન પોલાર્ડ, મુસ્તફીઝુર રેહમાન, પેટ કમિન્સ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, રાહુલ ચહર, ઈવીન લૂઈસ, સૌરભ તિવારી, બેન કટિંગ, પ્રદીપ સાંગ્વાન, જેપી ડુમિની, જેસન બેરનડોફ, તાજિન્દર સિંહ ધિલોન, શરદ લુમ્બા, સિદ્ધેશ લાડ, આદિત્ય તરે, મયંક માર્કંડે, અકીલા ધનંજય, અનુકૂલ રોય, મોહસીન ખાન, એમ.ડી. નિધીશ.

દિલ્હી ડેરડેવિલ્સઃ શ્રેયસ ઐયર, ક્રિસ મોરિસ, રીષભ પંત, ગ્લેન મેક્સવેલ, ગૌતમ ગંભીર, જેસન રોય, કોલીન મોનરો, મોહમ્મદ શમી, કેગીસો રબાડા, અમિત મિશ્રા, પૃથ્વી શૉ, રાહુલ તિવાટીયા, વિજય શંકર, હર્ષલ પટેલ, અવેશ ખાન, શાહબાજ નદીમ, ડેનિયલ ક્રિસ્ટિયન, જયંત યાદવ, ગુરકીરત સિંહ માન, ટ્રેન્ટ બોલ્ટ, મનજોત કાલરા, અભિષેક શર્મા, સંદીપ લમીચાને, નમન ઓઝા, સાયન ઘોષ.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, ક્રિસ લીન, દિનેશ કાર્તિક, રોબીન ઉથપ્પા, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, શુભમાન ગિલ, ઈશાંક જગ્ગી, કમલેશ નાગરકોટી, નિતીશ રાણા, વિનય કુમાર, અપૂર્વ વાનખડે, રિન્કૂ સિંહ, શિવમ માવી, કેમરન ડેલ્પોર્ટ, મિચેલ જોન્સન, જેવોન સીલીસ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, સરફરાઝ ખાન, બ્રેન્ડન મેક્યુલમ, ક્રિસ વોક્સ, કોલીન ડી ગ્રેન્ડહોમ, મોઈન અલી, ક્વિન્ટન ડી કોક, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મનન વોહરા, કુલવંત કેજરોલીયા, અનિકેત ચૌધરી, નવદીપ સૈની, મુરુગન અશ્વિન, મનદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, પવન નેગી, મોહમ્મદ સિરાજ, નેથન કુલ્ટર-નાઈલ, અનિરુદ્ધ જોશી, પાર્થિવ પટેલ, ટીમ સાઉધી, પવન દેશપાંડે.

કિંગ્સ ઈલેવન પંજાબઃ અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, યુવરાજ સિંહ, કરુણ નાયર, લોકેશ રાહુલ, ડેવિડ મિલર, આરોન ફિન્ચ, માર્કસ સ્ટોઈનીસ, મયંક અગરવાલ, અંકિત રાજપૂત, મનોજ તિવારી, મોહિત શર્મા, મુજીબ ઝદરાન, બેરિન્દર શ્રાન, એન્ડ્ર્યૂ ટાઈ, આકાશદીપ નાથ, બેન ડ્વેર્સીસ, પરદીપ સાહુ, મયંક ડાગર, ક્રિસ ગેઈલ, મન્ઝૂર દર.

સનરાઈઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), ભૂવનેશ્વર કુમાર, શિખર ધવન, શકીબ અલ હસન, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, કાર્લોસ બ્રેથવેઈટ, યુસુફ પઠાણ, રિદ્ધિમાન સહા, રાશીદ ખાન, રિકી ભૂઈ, દીપક હુડા, ટી. નટરાજન, સિદ્ધાર્થ કૌલ, ખલીલ એહમદ, મોહમ્મદ નબી, સંદીપ શર્મા, સચીન બેબી, ક્રિસ જોર્ડન, બિલી સ્ટેનલેક, તન્મય અગરવાલ, શ્રીવત્સ ગોસ્વામી, બિપુલ શર્મા, મેહદી હસન.

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મીથ (કેપ્ટન), બેન સ્ટોક્સ, અજિંક્ય રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, સંજુ સેમસન, જોસ બટલર, રાહુલ ત્રિપાઠી, ડીએક્રી શોર્ટ, જોફ્રા આર્ચર, ક્રિશપ્પા ગોઠેમ, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ, અંકિત શર્મા, અનુરીત સિંહ, ઝહીર ખાન, શ્રેયસ ગોપાલ, એસ. મિધૂન, પ્રશાંત ચોપરા, બેન લાફલીન, મહિપાલ લોમોર, આર્યમાન બિરલા, જતીન સક્સેના, દુશ્મન્થા ચામીરા.

ચેન્નાઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ફાફ ડુ પ્લેસી, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, શેન વોટસન, કેદાર જાધવ, અંબાતી રાયડુ, ઈમરાન તાહીર, કર્ણ શર્મા, શાર્દુલ ઠાકુર, એન. જગદીશન, મિચેલ સેન્ટનર, દીપક ચહર, કે.એમ. આસીફ, લુંગીસાની એનગીડી, કનિષ્ક સેઠ, ધ્રૂવ શોરી, મુરલી વિજય, સેમ બિલિંગ્સ, માર્ક વૂડ, ક્ષિતિજ શર્મા, મોનૂ કુમાર, ચૈતન્ય બિસ્નોઈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]