ઓકલેન્ડ – ભારત સામે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીની પહેલી બે મેચ હારીને ન્યૂઝીલેન્ડ ટીમ આઘાતમાં છે. એવામાં એના વિકેટકીપર-બેટ્સમેન ટીમ સેઈફર્ટે જે વાત કહી છે એનાથી તેની ટીમની ચિંતાજનક હાલતનો પુરાવો મળે છે.
સેઈફર્ટનું કહેવું છે કે ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ફટકારવો બહુ મુશ્કેલ છે.
સેઈફર્ટે આ માટે એવું કારણ આપ્યું છે કે બુમરાહ એની બોલિંગમાં સતત વિવિધતા રાખતો હોય છે. એટલે એની સામે રમવા માટે અમારે કંઈક શીખવું પડશે.
ભારતે ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડમાં બંને મેચમાં પરાજય આપ્યો છે. પહેલી મેચમાં 6-વિકેટથી અને બીજી મેચમાં 7-વિકેટથી જીત મેળવી હતી. ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.
બીજી મેચમાં, બુમરાહે તેના હિસ્સાની 4 ઓવરમાં માત્ર 21 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી મેચથી જ એના બોલિંગ પ્લાન્સમાં ફેરફાર કર્યો હતો. પહેલી મેચમાં બુમરાહે ધીમા બોલ ફેંક્યા હતા, જે સ્ટમ્પ્સથી ઘણા દૂર પડ્યા હતા. સામાન્ય રીતે દાવના અંતભાગમાં બોલરો સીધી લાઈનમાં બોલ ફેંકતા હોય છે, વળી યોર્કર ફેંકતા હોય છે અને છાતી સુધી ઊંચા પણ ફેંકતા હોય છે. બુમરાહ એના બોલમાં સતત ફેરફારો કરતો હોય છે એને કારણે એની સામે બેટિંગ કરવાનું બહુ અઘરું થઈ જાય છે, એમ સેઈફર્ટે કહ્યું.
બુમરાહ એની નેક્સ્ટ ડિલીવરી ક્યાં ફેંકશે એની બેટ્સમેનને જરાય ગંધ આવતી નથી. એટલે મારે સ્ટમ્પ્સની સામે ઊભા રહેવાને બદલે થોડુંક દૂર જવું પડે છે, એમ સેઈફર્ટે વધુમાં જણાવ્યું.
સેઈફર્ટ બીજી મેચમાં 26 બોલમાં 33 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
‘યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં કેન (વિલિયમ્સ) આઉટ થયો ત્યારે અમે સમજી ગયા હતા કે સ્કોર વધારે કરી નહીં શકાય, કારણ કે બુમરાહ ફરી બોલિંગમાં આવવાનો હતો,’ એમ સેઈફર્ટે કહ્યું.
કિવી વિકેટકીપરે એમ પણ કહ્યું કે બદલાયેલી પરિસ્થિતિ સાથે કેવી રીતે ઝડપથી એડજસ્ટ થવું એ વિશે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ભારતીય બેટ્સમેનોની રમતમાંથી શીખવું પડશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતભાગમાં ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ રમાવાની છે એટલે દરેક ટીમ હવે તેની દરેક મેચ અને શ્રેણીને પ્રેક્ટિસ તરીકે ગણે છે.
સેઈફર્ટે કહ્યું કે, હાલને તબક્કે અમે અમારી બેસ્ટ ગેમ રમતા નથી. વર્લ્ડ કપ પૂર્વે અમારે 20 જેટલી મેચો રમવાની આવશે એટલે અમારે તૈયારી કરવાની છે.