IPLના શેડ્યુલમાં થશે ફેરફાર!, કોલકાતા પોલીસના એ પત્રમાં એવું તે શું લખ્યું હતું?

IPL 2025ની 6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે થનારી મેચ રામનવમીના કારણે મોકૂફ થવાની સંભાવના છે. રામનવમીના દિવસે રાજ્યભરમાં અનેક શોભાયાત્રાઓ નીકળતી હોવાથી, કોલકાતા પોલીસે બંગાળ ક્રિકેટ એસોસિએશનને (CAB) પત્ર લખીને 6 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં થનારી આઈપીએલ મેચનું શિડ્યૂલ બદલવા માટે વિનંતી કરી છે.

કોલકાતા પોલીસે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે 6 એપ્રિલે રામનવમી છે, અને રાજ્યમાં 20,000થી વધુ શોભાયાત્રાઓ યોજાશે.
આથી મોટાભાગના પોલીસ કર્મીઓ આ કાર્યક્રમોના બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે, જેના કારણે 60,000થી વધુ દર્શકોની સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ રહેશે. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના અધ્યક્ષ સ્નેહાશીશ ગાંગુલીએ જણાવ્યું કે,
“આ મામલે પોલીસ સાથે ચર્ચા થઈ છે અને 6 એપ્રિલે સુરક્ષા બંદોબસ્ત મહદ અંશે મુશ્કેલ જણાઈ રહી છે. BCCIને આ અંગે જાણ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.”

આ વખતે IPL 2025ની શરૂઆત કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમથી થવાની છે. 22 માર્ચે KKR અને RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ પહેલાં અડધા કલાકની ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં સિંગર શ્રેયા ઘોષાલ અને એક્ટ્રેસ દિશા પટની જેવા મોટા કલાકારો પરફોર્મ કરશે.