કોલકાતાઃ ભારત રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે ઇડન ગાર્ડનમાં T20 મેચ માટે રમવા ઊતરશે એ સાથે ટીમ ઇન્ડિયાની આ વર્ષે રમાનારા T20 વર્લ્ડ કપ 2022 માટેની તૈયારી શરૂ થઈ જશે. ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે બુધવારથી શરૂ થનારી ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચની પહેલી મેચ રમશે.
મેન ઇન બ્લુએ ન્યુ ઝીલેન્ડ સામે T20i સિરીઝ જીતી હતી, પણ ટીમના દ્રષ્ટિકોણમાં જરાય પરિવર્તન નથી આવ્યું, એટલે રસપ્રદ બાબત એ હશે કે મેન ઇન બ્લુ કંઈક અલગ કરવાના પ્રયાસ કરે છે કે નહીં? એ જોવું રહ્યું.
ગયા સપ્તાહે કેએલ રાહુલ અને અક્ષર પટેલને T0i સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને પસંદગીકાર સમિતિએ ઋતુરાજ ગાયકવાડ અને દીપક હુડ્ડાનો તેમની જગ્યાએ ટીમમાં સ્થાન આપ્યું છે. વળી, વિરાટ કોહલી WI સામે કેવો દેખાવ કરે છે- એ જોવું પણ રસપ્રદ રહેશે, કેમ કે કોહલીએ હાલની વનડે સિરીઝમાં 8,18 અને 0 રન કર્યા હતા. આ ઉપરાંત ઇશાન કિશન ઓપનિંગમાં કેવી બેટિંગ કરે છે અને મધ્યમ ક્રમમાં રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયર કેવો દેખાવ કરે છે, એ જોવું રસપ્રદ રહેશે. આ ઉપરાંત દીપક ચહર, અવેશ ખાન અને ભુવનેશ્વર કુમારની ત્રિપુટી બોલિંગ આક્રમણમાં કેવો દેખાવ કરે છે- એના પર પસંદગીકારોની નજર રહેશે. આ બધી બાબતોથી ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડ કપમાં કોની પસંદગી કરવી એ પસંદગીકારોને નક્કી કરવામાં સહુલિયત રહેશે.