કાર્ડિફ – અહીં સોફિયા ગાર્ડન્સ મેદાન પર આજે રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 પૂર્વેની પોતાની બીજી અને આખરી વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 95 રનથી હરાવ્યું છે.
ભારત પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. હવે ભારત વર્લ્ડ કપમાં રમશે. પાંચમી જૂને એનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે.
આજની મેચમાં, ભારતે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 359 રનનો ખડકલો કર્યો હતો. એમાં મુખ્ય યોગદાન રહ્યું હતું વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (113) અને લોકેશ રાહુલ (108)નું.
તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 49.3 ઓવરમાં 264 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના બે સ્પિનર – કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે બાંગ્લાદેશ ટીમની બેટિંગ લાઈન-અપમાં મુખ્યત્વે નુકસાન કર્યું હતું. યાદવે 10 ઓવરમાં 47 રન આપીને 3 અને ચહલે 10 ઓવરમાં 55 રન આપીને 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પાંચ ઓવર ફેંકી હતી જેમાં એણે 25 રન આપીને 2 વિકેટ પાડી હતી. રવિન્દ્ર જાડેજા એક વિકેટ મેળવવામાં સફળ થયો હતો.
બાંગ્લાદેશના દાવમાં વિકેટકીપર મુસ્ફીકુર રહીમે 90 અને ઓપનર લિટન દાસે 73 રન કર્યા હતા. આ બંનેએ ત્રીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી.
ભારતના દાવમાં, ધોનીએ 78 બોલમાં, 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 113 રન કર્યા હતા. રાહુલે 99 બોલનો સામનો કર્યો હતો અને 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 47, રોહિત શર્માએ 19, હાર્દિક પંડ્યાએ 21 રન કર્યા હતા.
httpss://www.cricketworldcup.com/d4933083-df19-425d-b6f1-6a767812fd0c