કોણ જીતશે વર્લ્ડ કપ 2019? નિષ્ણાતોની આગાહીમાં ટીમ ઈન્ડિયાનું પણ નામ છે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ODI વર્લ્ડ કપની 12મી આવૃત્તિનો આરંભ 30 મે, ગુરુવારથી ઈંગ્લેન્ડમાં થઈ રહ્યો છે. આ વખતની સ્પર્ધા જીતવા માટે યજમાન ઈંગ્લેન્ડ રેડ હોટ ફેવરિટ્સ છે. એક-દિવસીય મેચોની વર્લ્ડ કપનો આરંભ 1975ની સાલમાં ઈંગ્લેન્ડમાં થયો હતો, પણ ઈંગ્લેન્ડની ટીમ હજી સુધી વર્લ્ડ કપ સ્પર્ધા જીતી શકી નથી.

ભારત બે વાર આ સ્પર્ધા જીતી ચૂક્યું છે. 1983માં ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપ વખતે વિજેતા બનેલી ભારતીય ટીમનો કેપ્ટન કપિલ દેવ હતો. એ સ્પર્ધાની ફાઈનલમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો અને ક્લાઈવ લોઈડની ટીમને જીતની હેટ-ટ્રિક કરવા દીધી નહોતી. સૌ પ્રથમ વર્લ્ડ કપ – 1975 અને 1979માં વેસ્ટ ઈન્ડિઝ ટીમ વિજેતા બની હતી.

2011માં બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાયેલી સ્પર્ધામાં વિજેતા બનેલી ભારતીય ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. એ સ્પર્ધાની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને પરાજય આપ્યો હતો.

આ વખતની સ્પર્ધા ઈંગ્લેન્ડ અને પડોશના વેલ્સમાં 10 ટીમ વચ્ચે રમાશે, એ માટે 11 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

છ અઠવાડિયા સુધી ચાલનારી આ સ્પર્ધામાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની ટોચની 10 ટીમ વચ્ચે 48 મેચો રમાશે.

ફાઈનલ મેચ 14 જુલાઈએ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાશે.

આવતીકાલે, સ્પર્ધાની પ્રાંરભિક મેચ ઓઈન મોર્ગનની ઈંગ્લેન્ડ ટીમ અને ફાફ ડુ પ્લેસીસની દક્ષિણ આફ્રિકા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે.

આ વખતની સ્પર્ધા કોણ જીતશે? એ વિશે ક્રિકેટના અમુક મહાન ખેલાડીઓએ એમની રીતે આગાહી કરી છે.

એલન બોર્ડર

મારા મતે ઓસ્ટ્રેલિયાને વિજેતા બનવાની રીયલ તક છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ટીમમાં પાછા ફરતાં બેટિંગ તાકાત વધી ગઈ છે. એવી જ રીતે, મિચેલ સ્ટાર્ક પણ ટીમમાં પાછો ફર્યો હોવાથી અમારું બોલિંગ આક્રમણ પણ જોરદાર છે.

બ્રેટ લી

ઓસ્ટ્રેલિયા વિજેતા બનશે. મારું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ પાંચ વર્લ્ડ કપ સ્પર્ધાઓ જીતી છે અને વર્લ્ડ કપ કેવી રીતે જીતવી એ તેમને બરાબર આવડે છે. આ વખતની ટીમ પણ સરસ છે.

માર્ક વો

ઓસ્ટ્રેલિયા વિજેતા બને એવું કહેવાનું મને ગમ્યું હોત, પરંતુ મારા મતે ઈંગ્લેન્ડ મજબૂત ટીમ જણાય છે. ઈંગ્લેન્ડની બેટિંગ તાકાત ઊંડે સુધી રહેલી છે. એમને હોમગ્રાઉન્ડનો પણ લાભ મળશે. બટલર, બેરસ્ટો, રોય, રૂટ, મોર્ગન, સ્ટોક્સ જેવા ધુરંધર બેટ્સમેનો એમની પાસે છે. એમની બેટિંગ લાઈનઅપ છેક 10મા નંબર સુધી ફેલાયેલી છે. મારા મતે ઈંગ્લેન્ડ ફેવરિટ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત સેમી ફાઈનલમાં પહોંચશે.

સ્ટીવ વો

મારા મતે ઈંગ્લેન્ડ ફેવરિટ્સ છે. છેલ્લા બે વર્ષમાં એના ખેલાડીઓનું ફોર્મ અસાધારણ રહ્યું છે. વળી એ લોકો ઘરઆંગણે રમી રહ્યા છે. એને કારણે ક્યારેક દબાણ ઊભું થાય છે, પરંતુ એમની પાસે ટ્રેવર બેલીસના રૂપમાં ઘણા સારા કોચ છે. ઈંગ્લેન્ડ પછીનો ક્રમ હું ઓસ્ટ્રેલિયા અને ભારતને આપીશ.

ગ્લેન મેકગ્રા

મારા મતે ભારત અને ઈંગ્લેન્ડ ફેવરિટ છે. ઓસ્ટ્રેલિયાનું પણ કંઈ કહેવાય નહીં. દક્ષિણ આફ્રિકા પણ સારી ટીમ છે. વેસ્ટ ઈન્ડિઝ ડાર્ક હોર્સ છે. એ લોકો ઘણું સારું પણ રમી શકે છે અને ઘણું ખરાબ પણ. એવું જ પાકિસ્તાનનું છે. એટલે આ વખતની વર્લ્ડ કપ રસપ્રદ બની રહેવાની. ઈંગ્લેન્ડ અને ભારતને હરાવવું મુશ્કેલ છે, પણ ઓસ્ટ્રેલિયાનું ફોર્મ જોતાં એ ફાઈનલમાં જરૂર પહોંચશે.

માઈકલ વોન

હાલ વિશ્વમાં ઈંગ્લેન્ડ નંબર-1 ટીમ છે અને ઘરઆંગણે એને હરાવવી મુશ્કેલ છે. એ લોકો સેમી ફાઈનલમાં તો પહોંચશે એમાં મને કોઈ શંકા નથી. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પાછા ફરતાં ઓસ્ટ્રેલિયાની ટીમની તાકાત ઘણી વધી ગઈ છે. ભારત પાસે મુખ્ય શસ્ત્ર છે – વિરાટ કોહલી. એ હાલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને જસપ્રીત બુમરાહ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બોલર છે. પાકિસ્તાન તો પાકિસ્તાન છે. એ લોકો સેમી ફાઈનલમાં તો જરૂર પહોંચશે. મારા મતે ઈંગ્લેન્ડ વિજેતા બનશે.

વકાર યુનિસ

ફોર્મેટ એવી છે કે જે ટીમ ફોર્મ પકડી લેશે એ સેમી ફાઈનલમાં પહોંચી જશે. મારા મતે ઈંગ્લેન્ડ ફેવરિટ છે, પણ ઓસ્ટ્રેલિયાએ પણ એનો આત્મવિશ્વાસ પાછો મેળવી લીધો છે. ભારતીય ઉપખંડમાં સૌથી મજબૂત ટીમ ભારત છે. મારું દિલ તો પાકિસ્તાન છે, ન્યૂઝીલેન્ડ ટીમ સેમી ફાઈનલમાં પહોંચશે એવું મને લાગે છે. હું કોઈને વિજેતા તરીકે જણાવતો નથી, પરંતુ ઈંગ્લેન્ડ વિજેતા ટ્રોફી મેળવે એવી શક્યતા વધારે જણાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]