દુબઈ પાકિસ્તાને આજે અહીં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતને 10-વિકેટથી આસાનીથી હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2021 સ્પર્ધાના સુપર-12 તબક્કામાં ગ્રુપ-2માં વિજયી આરંભ કર્યો છે. ભારતે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે કરેલા 151 રનના જવાબમાં કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ ભારે ચતુરાઈભરી અને જરૂર પડે આક્રમક ફટકા મારતાં પાકિસ્તાને 17.5 ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 152 રન કરીને મેચ જીતી લીધી.
બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ ભારતે કેપ્ટન વિરાટ કોહલીના જવાબદારીપૂર્ણ અને સશક્ત બેટિંગ સાથેના 57 રનના યોગદાનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 151 રન કર્યા હતા, પણ સામે છેડે બાબર આઝમે પણ પાકિસ્તાન વતી કેપ્ટન ઈનિંગ્ઝ ખેલી હતી. બાબર 52 બોલમાં 6 ચોગ્ગા, બે છગ્ગા સાથે 68 રન કરીને નોટઆઉટ રહ્યો હતો તો રિઝવાને 55 બોલમાં 6 ચોગ્ગા, 3 છગ્ગા સાથે અણનમ 79 રન કરીને કેપ્ટનને શરૂથી અંત સુધી સાથ આપ્યો હતો. ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત છ મેચ બાદ આ પહેલી વાર પાકિસ્તાન સામે હાર્યુ છે અને આ પહેલી વાર 10-વિકેટના માર્જિનથી હાર્યું. વર્લ્ડ કપમાં ભારતને હરાવવામાં પાકિસ્તાનને 29 વર્ષ અને 12 વર્લ્ડ કપ લાગ્યા.
ભારતે તેના બંને ઓપનરને સસ્તામાં ગુમાવી દીધા હતા. રોહિત શર્માને ઝીરો અને કે.એલ. રાહુલને 3 રનમાં. એ બંને વિકેટ પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ લીધી હતી. પરંતુ કોહલીએ એક છેડો સંભાળી રાખ્યો હતો અને 49 બોલના દાવમાં પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે 57 રન કર્યા હતા. T20 વર્લ્ડ કપમાં કોહલી પાકિસ્તાન સામે આ ચોથી મેચમાં પહેલી વાર આઉટ થયો. કોહલીને સાથ મળ્યો હતો ડાબોડી બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંત (39)નો. બંનેએ ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાદવ 11, રવિન્દ્ર જાડેજા 13, હાર્દિક પંડ્યા 11 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી સહિત ટોચના 3 બેટ્સમેનને આઉટ કરનાર શાહીન આફ્રિદીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
ભારતીય ઈલેવનઃ રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.
પાકિસ્તાન ઈલેવનઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસીફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હેરિસ રઉફ, શાહીન આફ્રિદી.
