રોહિત-વિરાટ માટે T20 ટીમના દરવાજા બંધ?

મુંબઈઃ આઈસીસી T20 વર્લ્ડકપ-2022માં ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે સેમી ફાઈનલમાં 10-વિકેટથી શરમજનક પરાજય થયો હતો તે પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને એકેય ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવા મળી નથી. હેડ કોચ રાહુલ દ્રવિડે પણ શ્રીલંકા સામે પુણેમાં રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ બાદ એવો સંકેત આપ્યો હતો કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ બંનેની સફરનો અંત આવી ગયો છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટ્વેન્ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.

દ્રવિડે કહ્યું છે કે, જો તમે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2022ની ફાઈનલ મેચ જોઈ હશે તો તે મેચમાં રમેલા માતર્ ત્રણ-ચાર ખેલાડી જ હાલ શ્રીલંકા સામેની શ્રેણીમાં રમી રહ્યા છે. આગામી T20 મુકાબલાઓ માટે અમારો વિચાર જુદો છે. શ્રીલંકા જેવી મજબૂત ટીમ સામે રમવાનો આપણી યુવા ટીમને સારો અનુભવ મળ્યો છે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ – માત્ર આ ખેલાડીઓ જ હાલ શ્રીલંકા સામેની પુણે મેચ પૂર્વે ઈંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં રમ્યા હતા.