કોલંબો: વર્લ્ડકપ-૨૦૨૩માં ગઈ બીજી નવેમ્બરે મુંબઈમાંની મેચમાં શ્રીલંકા ટીમ ભારત સામે માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈને ૩૦૨-રનના માર્જિનથી શરમજનક રીતે હારી ગઈ એને પગલે શ્રીલંકા સરકારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું વિસર્જન કરી નાખ્યું છે. શમ્મી સિલ્વાની આગેવાની હેઠળના બોર્ડના તમામ સભ્યોના રાજીનામા માંગી લેવામાં આવ્યા છે.
શ્રીલંકાના સ્પોર્ટ્સ પ્રધાન રોશન રણસિંઘેએ ૧૯૯૬માં વર્લ્ડકપ જીતનાર શ્રીલંકા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગાની આગેવાની હેઠળ સાત-સભ્યોની વચગાળાની સમિતિની રચના કરી છે.
આ સમિતિમાં ત્રણ નિવૃત્ત જજ છે, જેમાં બે મહિલા છે.
શમ્મી સિલ્વાને ગયા મે મહિનામાં સતત ત્રીજી મુદત માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા તરીકે ૨૦૨૫ની સાલ સુધી નિયુક્ત કરવામાં આવ્યા હતા.