ટીમમાંથી પડતો મૂકાવા અંગે ધવને આપ્યા પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ ઓપનિંગ બેટર શિખર ધવને ગયા વર્ષે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22 મેચમાં 34.40ની સરેરાશ સાથે 688 રન કર્યા હતા. એમાં છ અડધી સદી હતી. તે છતાં એને છેલ્લી 4 શ્રેણીઓમાં ટીમમાં સામેલ કરાયો નહોતો.

આખરે થાકીને ધવને એ વિશે પ્રત્યાઘાત આપ્યા છે. એક મુલાકાતમાં એણે કહ્યું, lમારી સાથે જે બન્યું છે એ કંઈ નવું નથી. ક્રિકેટની રમતમાં આવું બનતું જ હોય છે. ઘણા ખેલાડીઓ આખું વર્ષ ઝમકદાર દેખાવ કરે, પણ એકાદ-બે મહિના એમનો દેખાવ બગડે કે અગાઉ આખું વર્ષ કરેલી મહેનત પર પડદો પડી જાય. કેપ્ટન, કોચ અને પસંદગીકારો વિસ્તૃત ચર્ચા કરીને તમારા વિશે નિર્ણય લે. રોહિત શર્મા કેપ્ટન બન્યો એ પછી તેણે અને હેડ કોચ રાહુલ દ્રવિડે મને ઘણો સપોર્ટ કર્યો હતો. એમણે મને કહ્યું હતું કે મારે ODI વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરવું. 2022નું વર્ષ મારા માટે સરસ રહ્યું હતું. પણ અહીંયા એક ખેલાડી એવો છે જે બે ફોર્મેટમાં ઝમકદાર બેટિંગ કરે છે. એકાદ-બે શ્રેણીમાં જેવી મારી કામગીરી સહેજ નબળી પડી કે એમણે શુભમન ગિલને ચાન્સ આપ્યો અને એ અપેક્ષાનુસાર ખરો ઉતર્યો. એવી જ રીતે, ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ડબલ સદી ફટકારી ત્યારે જ મેં વિચાર્યું હતું કે મારે હવે ટીમની બહાર બેસવું પડશે.’

ઉલ્લેખનીય છે કે શિખર ધવન એક હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળી ચૂક્યો છે. ફિલ્મનું નામ છે ‘ડબલ XL’. તે 2022ના નવેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બે જાડી સ્ત્રીની વાત છે, જેઓ એમનાં સપનાં સાકાર કરવા મથી રહી છે. આ બે હિરોઈન છે સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી. એમના હિરો બન્યા છે – ઝહીર ઈકબાલ અને મહાત રાઘવેન્દ્ર. ધવન આ ફિલ્મમાં વિશેષ ભૂમિકામાં જોવા મળ્યો હતો.