ટેનિસ કોર્ટ પર ગ્રાન્ડસ્લેમ સહિત અનેક ટ્રોફીઓ જીતનાર સાનિયા મિર્ઝાએ માતૃત્ત્વ ધારણ કર્યા બાદ 4 મહિનામાં જ 26 કિલો વજન ઘટાડ્યું…
સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પોતાનાં સ્વાસ્થ્યની કાળજી લઈને એવી સફળતા હાંસલ કરી છે કે તે અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણાત્મક બની શકે છે. એણે પોતાનાં શરીરનું વજન જે રીતે ઉતાર્યું છે એને કારણે એ હાલ ચર્ચામાં છે અને પોતે વજન કેવી રીતે ઉતાર્યું એ જણાવતો એક વિડિયો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે જે વાયરલ થયો છે.
સાનિયાએ 2018ની 30 ઓક્ટોબરે પુત્ર ઈઝાનને જન્મ આપ્યો હતો. ગર્ભાવસ્થા દરમિયાન સાનિયાનું વજન ઘણું વધી ગયું હતું. એનું વજન 89 કિલો થઈ ગયું હતું.
વધી ગયેલા વજનને કારણે એને કામ કરવાનું મુશ્કેલ બની ગયું હતું. એને લીધે એણે વજન ઘટાડવાનો દ્રઢનિશ્ચય કર્યો હતો.
ખૂબ મહેનત અને પરિશ્રમ કરીને એ વધી ગયેલું વજન ઘટાડી દેવામાં સફળ થઈ હતી.
હાલમાં જ એણે પોતાનો વિડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં એ જિમ્નેશિયમમાં ઘણી મહેનત કરતી જોઈ શકાય છે.
સાનિયાનો આ વિડિયો એની પ્રસૂતિ બાદના સમયનો છે. વિડિયો શેર કરીને સાનિયાએ અમુક સારી વાતો કહી છે. એણે લખ્યું છે કે, ડિલીવરી બાદ ફરી હેલ્ધી અને ફિટ બનવા માટે મેં જે પ્રયાસો કર્યા હતા એના અમુક ભાગ અહીં શેર કરું છું. ઘણી વાર લોકો મને પૂછે છે કે મેં વજન કેવી રીતે ઘટાડ્યું, તો એ સંબંધિત કેટલીક પોસ્ટ અહીં શેર કરું છું. પ્રેગ્નન્સી દરમિયાન મારું વજન 23 કિલો વધી ગયું હતું, પણ છેલ્લા ચાર મહિનામાં મેં 26 કિલો વજન ઘટાડી દીધું છે. આ બધું મેં હાર્ડ વર્ક, આહારમાં શિસ્ત અને ડેડિકેશન સાથે પ્રાપ્ત કર્યું હતું.
સાનિયાએ વધુમાં લખ્યું છે કે હું ઘણી વાર સંદેશા વાંચું છું જેમાં સ્ત્રીઓ એમની પ્રસૂતિ બાદની ફિટનેસ વિશે ખૂબ પરેશાન રહેતી હોય છે. ફરી નોર્મલ લાઈફ પ્રાપ્ત કરવા માટે એમને પ્રોત્સાહન નથી મળતું. તો હું મારું એમને અને સૌને એ જ કહેવાનું છે કે જો હું ફિટનેસ પાછી પ્રાપ્ત કરી શકતી હોઉં તો કોઈ પણ સ્ત્રી એ પ્રાપ્ત કરી્ શકે છે. દિવસમાં એક કે બે કલાક કસરત કરીને તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બની શકો છો. આ વિડિયો ઈઝાનનાં જન્મના અમુક સમય બાદનો છે. મારી ડિલીવરીના લગભગ બે-અઢી મહિના બાદનો વિડિયો છે.
સાનિયા મિર્ઝા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શોએબ મલિકને પરણી છે.
ભારતની પ્રોફેશનલ ટેનિસ ખેલાડી સાનિયા મહિલા ડબલ્સમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 છે. એણે કારકિર્દીમાં 6 ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદ હાંસલ કર્યા છે. 2013માં એ સિંગલ્સ વર્ગમાંથી નિવૃત્ત થઈ હતી.