શ્રીલંકાની ટીમ 2020માં ભારત આવશે; 3 મેચોની T20I સિરીઝ રમશે

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા આજે સંયુક્તપણે જાહેરાત કરવામાં આવી છે કે શ્રીલંકાની ટીમ આવતા વર્ષના જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવશે અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.

વાસ્તવમાં, મૂળ કાર્યક્રમ મુજબ આવતા વર્ષના જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વેની ટીમ ભારતના પ્રવાસે આવનાર હતી, પણ આઈસીસી સંસ્થાએ ઝિમ્બાબ્વેને સસ્પેન્ડ કરી દેતાં ભારતીય ક્રિકેટ બોર્ડે 3-મેચની સિરીઝ રમવા માટે શ્રીલંકાને આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકા ક્રિકેટે એનો સ્વીકાર કર્યો હતો.

કાર્યક્રમ અનુસાર, પહેલી મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી મેચ 7 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી તથા આખરી મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ તેના દેશમાં એસોસિએશનની ચૂંટણી મુક્ત અને લોકતાંત્રિક વાતાવરણમાં યોજવા અસમર્થ હોવાની ખાતરી થયા બાદ આઈસીસીએ તેનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું.

આમ, હવે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ આઈસીસી તરફથી આર્થિક ભંડોળ મેળવવાને પાત્ર રહ્યું નથી. આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં ભાગ લેવા પર ઝિમ્બાબ્વે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.