નવી દિલ્હીઃ ક્રિકેટને પ્રેમ કરતો કોઈપણ વ્યક્તિ એ સમય ન ભૂલી શકે કે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011 માં વર્લ્ડ કપ જીત્યો હતો અને સચિન તેંડુલકરને તેમના સાથી ક્રિકેટરોએ ખભે બેસાડી ઉજવણી કરી હતી. સચિનના આ સમયને છેલ્લા 20 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આના માટે ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ અવોર્ડ 2000-2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સચિન તેંડુલકરે જણાવ્યું કે, વિશ્વ કપ જીતવો તે બાળપણનું સ્વપ્ન હતું અને આ સ્વપ્નને સાચું સાબિત કરવામાં મને 22 વર્ષની મહેનત લાગી, પરંતુ મેં ક્યારેય હાર ન માની. ભારતીય ક્રિકેટ સમર્થકોના વોટિંગથી સચિનને સૌથી વધારે વોટ મળ્યા અને તેઓ આ એવોર્ડ જીતી ગયા.
એવોર્ડ મળ્યા બાદ આપેલી સ્પીચમાં સૌથી પહેલા તો સચિન તેંડુલકરે તેમને વોટ આપનારા લોકો અને ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, કેટલીક એવી ક્ષણો હોય છે કે જ્યારે આખો દેશ સાથે ઉજવણી કરે છે અને લોકોના અલગ-અલગ મત નથી હોતા. આ જ તાકાત છે ક્રિકેટની કે જે લોકોને એકસાથે લાવે છે.
જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, વારંવાર વર્લ્ડ કપ નહી જીતી શક્યા બાદ સફળતા પ્રાપ્ત થવા પર આપને કેવું લાગ્યું? ત્યારે સચિને પોતાના દિલની વાત કહી. સચિને જણાવ્યું કે મારી ક્રિકેટની યાત્રા 1983 માં શરુ થઈ હતી. તે સમયે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો તો મને આનું મહત્વ સમજાયું નહોતું. દરેક વ્યક્તિ ખુશીઓ મનાવી રહ્યા હતા તો પછી હું પણ પાર્ટીમાં જોડાઈ ગયો. પરંતુ મને ખ્યાલ નહોતો કે દેશ માટે કંઈક ખૂબ ખાસ થયું છે. હું પણ એક દિવસ આવો અનુભવ કરવા ઈચ્છતો હતો અને અહીંયાથી મારા આ સ્વપ્નની શરુઆત થઈ.
સચિને વિશ્વકપ જીત્યા બાદ તે ક્ષણને યાદ કરતા કહ્યું કે, તે મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણો હતી કે જેના માટે 22 વર્ષ સુધી મહેનત કરી હતી, પરંતુ ક્યારે નિરાશ થયો નથી. મેં એ ટ્રોફી મારા દેશવાસીઓ તરફથી ઉઠાવી હતી. તેમણે પોતાની સ્પીચમાં નેલ્સન મંડેલાનો પણ ઉલ્લેખ કર્યો. સચિન મંડેલાને 19 વર્ષની ઉંમરે મળ્યા હતા.