મુંબઈ: ક્રિકેટનો ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો આજે 47મો જન્મદિવસ છે. સચિનને ભગવાન માનતા કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે 24 એપ્રિલનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી. વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક સચિને બે દાયકાથી વધુ સમય ક્રિકેટના મેદાન પર વિતાવ્યો છે. તેની લાંબી કારકિર્દીમાં તેણે ઘણાં ઉતાર ચઢાવ પણ જોયા અને ઘણાં એવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા, જેને તોડવા લગભગ અશક્ય છે.
24 એપ્રિલ 1973માં મુંબઇમાં જન્મેલા સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. સચિને 2006માં તેની કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી હતી. સચિને 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ સંન્યાસ પહેલાં તેણે ઘણાં એવા રેકોર્ડ્સ બનાવી દીધા જેને તોડવા મુશ્કેલ છે. સચિને તેની કારકિર્દીમાં 10 એવા મોટા રેકોર્ડ્સ બનાવ્યા જેણે તેને ક્રિકેટનો ભગવાન બનાવી દીધો.
માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.
સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.
સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં સચિન પ્રથમ ક્રમે છે અને સ્ટીવ વો 168 ટેસ્ટ મેચ સાથે બીજા ક્રમે છે. માત્ર ટેસ્ટમાં જ નહીં, પરંતુ સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે, સચિને 463 વનડે મેચ રમી છે. તેના પછી સનથ જયસૂર્યાનો નંબર આવે છે, જેમણે 445 વનડે મેચ રમી છે.
સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં 10 હજાર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે.
તે વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે. તેના પહેલાં સ્ટીવ વો અને ગેરી કર્સ્ટન આવું કરી ચૂક્યા હતા.
સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 76 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે ટેસ્ટમાં 14 વખત અને વનડેમાં 62 વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.
સચિન તેંડુલકરના નામે સંયુક્ત રીતે સૌથી વધુ 6 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ છે. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે પણ પાકિસ્તાન માટે 6 વર્લ્ડ કપ રમ્યા છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ 2278 રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. 1992 થી 2011 વર્લ્ડ કપ સુધી તેણે આ કમાલ કરી હતી. વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જોકે, ગત વર્લ્ડ કપમાં રોહિત શર્માએ તેની બરાબરી કરી હતી. જ્યારે રિકી પોન્ટિંગ પછી વર્લ્ડ કપમાં તે સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે.