અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં B-ગ્રાઉન્ડ પર રમાતી વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં મહારાષ્ટ્ર ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આજે અહીં લિસ્ટ-A કેટેગરીમાં એક વિશ્વ વિક્રમી બરોબરી કરી છે. એણે એક જ ઓવરમાં સાત સિક્સર સાથે કુલ 43 રન ફટકાર્યા હતા. મેચ છે ઉત્તર પ્રદેશ સામે વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ. હરીફ ટીમનો બોલર હતો શિવા સિંહ. એણે દાવની 49મી ઓવર ફેંકી હતી. એમાં એક નો-બોલ ફેંકતા ઓવર સાત-બોલની થઈ હતી. ગાયકવાડે સાતેય બોલમાં સિક્સર ફટકારી હતી અને નો-બોલનો એક-રન ઉમેરતાં કુલ 43 રન મળ્યા.
આ કેટેગરીમાં અગાઉનો વિક્રમ બ્રેટ હેમ્પ્ટન અને જો કાર્ટરના નામે સંયુક્તપણે હતો. એ બંનેએ 2018માં ફોર્ડ ટ્રોફી સ્પર્ધામાં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ટીમ વતી રમતાં સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ સામેની મેચમાં વિલિયમ લુડિકની એક જ ઓવરમાં 43 રન ફટકાર્યા હતા. એક જ ઓવરમાં સૌથી વધારે સિક્સરનો વિશ્વ વિક્રમ ન્યૂઝીલેન્ડના લી જેર્મોનના નામે છે. એણે વેલિંગ્ટનમાં શેલ ટ્રોફીની એક મેચમાં આઠ સિક્સર ફટકારી હતી. અમદાવાદમાં રમાતી સ્પર્ધામાં શિવા સિંહે પાંચમો બોલ નો-બોલ ફેંક્યો હતો, જેમાં ગાયકવાડે સિક્સર ફટકારી હતી. ગાયકવાડ ઓપનિંગમાં આવીને આખર સુધી નોટઆઉટ રહ્યો હતો. એણે 159 બોલમાં 220 રન ફટકાર્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને પાંચ વિકેટે 330 રન કર્યા હતા.
એક જ ઓવરમાં છ સિક્સર મારનાર બેટરોની યાદીમાં સર ગાર્ફિલ્ડ સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્શેલ ગિબ્સ, યુવરાજ સિંહ, રોસ વ્હાઈટલી, હઝરતુલ્લાહ ઝઝઈ, લિઓ કાર્ટર, કાઈરન પોલાર્ડ અને થિસારા પરેરા.